વાંકાનેર : વાંકાનેર નજીક રતન ટેકરી પર બિરાજમાન જડેશ્વરના લોકમેળામાં જંગી જનમેદની વચ્ચે માતા-પિતાથી વિખૂટા પડેલા 23 બાળકો અને કેટલાક વયોવૃદ્ધ લોકોને વાંકાનેર તાલુકા પોલીસે શોધી કાઢી તેમના પરિવારજનો સાથે સફળતાપૂર્વક મિલન કરાવી, માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
વાંકાનેર તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલ અને તેમની ટીમને 8 વર્ષની માહીનુરબેન, 4 વર્ષનું એક બાળક, 3 વર્ષનો નીલેશ, અને 9 વર્ષનો રાહુલ સહિત કુલ 23 બાળકો મળી આવ્યા હતા જેઓ તેમના વાલી વારસથી વિખૂટા પડી ગયા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી, માહીનુરબેનને તેમના માતા નીલોફરબેન (રહે. આટકોટ), ૪ વર્ષના બાળકને તેના માતા હર્ષાબેન (રહે. વાંકાનેર ભાટીયા સોસાયટી), નીલેશને તેના પિતા દિલીપભાઈ અને માતા રમતીબેન (રહે. વાંકીયા ગામની સીમ), અને રાહુલને તેના પિતા બેતાલભાઈ અને માતા મીણકીબેન (રહે. અરણીટીંબા ગામની સીમ) સાથે સફળતાપૂર્વક મિલન કરાવ્યું હતું. બાળકો ઉપરાંત, કેટલાક વયોવૃદ્ધ વ્યક્તિઓ પણ તેમના પરિવારથી વિખૂટા પડી ગયા હતા, જેમને પણ પોલીસે શોધી કાઢી તેમના પરિવારજનો સાથે પુનઃમિલન કરાવ્યું હતું.

