બન્ને ભાઈઓ બાઈક ઉપર જઈ રહ્યા હોય ત્યારે કાળમુખા ડમ્પરે બાઇકને પાછળથી હડફેટે લીધું
મોરબી : મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં કેડા કંપની નજીક ડમ્પર ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા ગમખ્વાર અકસ્માતના નાના ભાઈની નજર સામે જ બાઈક ચાલક મોટાભાઈનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બાઇકમાં પાછળ બેઠેલ નાના ભાઈને ઇજા પહોંચી હતી.
મોરબીના દાદાશ્રીનગર ગામે રહેતા અને વાણંદકામ કરતા ચિરાગભાઈ રમેશભાઈ બગથરીયાએ જીજે – 36 – વી – 4849 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.7ના રોજ ફરિયાદી તેમજ તેમના મોટાભાઈ નિલેશભાઈ રમેશભાઈ બગથરિયા બાઈક લઈને જતા હતા ત્યારે સાંજના ચારેક વાગ્યાના અરસામાં ડમ્પર ચાલકે બાઇકને પાછળથી ઠોકર મારતા બાઈક ચલાવી રહેલા નિલેશભાઈને ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.જયારે ફરિયાદીને આ અકસ્માતમાં હાથ પગના મૂંઢ ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.