મોરબી : મોરબી, હળવદ અને ટંકારાના લજાઈમા ચાર લોકોના અકાળે મોત થયા હતા. જેમાં પહેલા બનાવમાં મોરબી સબ જેલના કેદીનું બીમારી સબબ સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. તેમજ મોરબીમાં ઝેરી દવા પી લઈ દવાખાને પહોંચેલા યુવાનનું સારવાર દરમિયાન, હળવદમાં બીમારી સબબ યુવાનનું, ટંકારાના લજાઈમાં પતરા ઉપરથી પડી જતા યુવાનનું મોત નીપજ્યું હતું.
પ્રથમ બનાવમાં મોરબી સબ જેલમાં રહેલા મૂળ જામખંભાળિયાના વતની ભરતભાઇ વ્રજલાલ પરમાર ઉ.64ને બીમારી સબબ પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે મોરબીના ઉમિયાનગરમાં રહેતા નિખિલભાઈ મથુરભાઈ ભાલીયા ઉ.25 નામના યુવાને ઝેરી દવા પી લઈ પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડતા સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.
ત્રીજા બનાવમાં ગત તા.7ના રોજ પડી જવાથી ઇજા થતાં સુરજભાઈ કાઠી ઉ.42 નામનો યુવાન સારવાર માટે હળવદ હોસ્પિટલમાં દાખલ થયો હતો જેને વધુ સારવાર માટે મોરબી અને બાદમાં રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ચોથા બનાવમાં મોરબીના વાવડી રોડ ઉપર ગાયત્રીનગરમાં રહેતા કલ્પેશભાઈ મનસુખભાઇ બસિયા લજાઈ ખાતે આવેલ મોરબી એન્જીનીયરીંગ વર્કસમાં વેલ્ડીંગ કરતા સમયે પતરાં ઉપરથી નીચે પડી જતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.