મોરબી : રક્ષાબંધનના પવિત્ર દિવસની આજે દરેક જગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી છે અને બહેનો તેના ભાઈને રક્ષા કવચ એટલે કે “રાખડી” બાંધી રહી છે. ત્યારે મોરબી સબ જેલની અંદર રહેલા કેદીઓને પણ તેની બહેનો રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને જેલ પ્રશાસન દ્વારા રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેનો તેના ભાઈને રાખડી બાંધે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જેલ પ્રશાશન દ્વારા એક વૃક્ષ ભાઈ કે નામ અભિયાન અંતર્ગત આગવી ઉજવણી કરવામાં આવી હતી.
મોરબીની સબ જેલની અંદર બંધ રહેલા કેદી ભાઈઓને તેઓની બહેનો રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી શકે તે માટે મોરબી સબ જેલના અધિક્ષક ડી.એમ. ગોહિલ અને જેલર એચ.એ. બાબરીયાની સુચના મુજબ સ્થાનિક કર્મચારીઓ દ્વારા રાખડી બાંધવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને આ જેલની અંદર બંધ રહેલા કેદી ભાઈઓની બહેનો જેલ ખાતે આવી હતી અને ત્યાં આવીને પોતાના ભાઈને રક્ષા કવચ એટલે કે રાખડી બાંધી હતી અને તેની લાંબી ઉમર માટે પ્રાર્થના અને દુઆઓ કરી હતી.
અંગે જેલ અધિક્ષક એચ.એ. બાબરીયાએ જણાવ્યું હતું કે, જેલના વડા રાવ સાહેબના વિચાર પ્રમાણે આ વખતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી અને રાખડી બાંધવા આવતી બહેનોને તેઓના ભાઈઓએ એક એક વૃક્ષ ભેટમાં આપ્યું હતું અને તેને ઉછેરવા સંકલ્પ લેવડાવ્યો હતો.
મોરબી સબ જેલમાં પોતાના ભાઈને રાખડી બાંધવા આવેલા ખુશીબેન પરમારે જણાવ્યું હતું કે, તેમણે આજે જેલમાં આવીને પોતાના ભાઈને રાખડી બાંધીને તેઓને ખૂબ ખુશી મળી હતી. સાથે જ તેમના ભાઈ તરફથી જે રોપા આપવામાં આવ્યા છે તેને યોગ્ય જગ્યાએ રોપીને વૃક્ષ બને ત્યાં સુધી ઉછેરવાની ખાતરી આપી હતી.