સત્તાવાર સહિતના વિવિધ અંદાજો મુજબ મચ્છુ પુરમાં 1800થી 25000ના મોત, હજારો પશુઓના મોત, માલ મિલકતને ગંજાવર નુકશાન : મનપા દ્વારા આજે શોકયાત્રા નીકળશે
મોરબી : મોરબીમાં જળ એ જીવન વ્યાખ્યાને બદલી નાખીને જળ જ મોટી હોનારત લાવ્યું હતું. એવી હોનારત કે જેને 46 વર્ષનો સમય વીતી ગયો હોવા આજે મોરબીવાસીઓ આજે પણ તે ગોઝારા મચ્છુ જળ હોનારતને ભૂલી શક્યા નથી. 11 ઓગસ્ટ 1979ના દિવસે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ બંધ પાણીના સખત પ્રવાહને ઝીરવી શક્યો ન હતો અને બંધની દીવાલ તૂટી પડતા સર્જાયો હતો એવો વિનાશ. જે માનવ ઇતિહાસે અગાઉ ક્યારેય જોયો ના હતો કે આવા હોનારતની કોઈએ કલ્પના પણ કરી ના હતી.
11 ઓગસ્ટ 1979નો એ દિવસ અને સમય હતો બપોરે 3:15નો કે જયારે મોરબીમાં એ સમાચાર વહેતા થયા હતા કે ત્રણ ત્રણ દિવસથી લાગલગાટ વરસી રહેલા વરસાદ અને ઉપરવાસની પાણીની સતત થઈ રહેલી આવકને કારણે મચ્છુ-2 ડેમ તુટી પડ્યો હતો પણ લોકો જીવ બચાવવા નાસી છૂટે તે પહેલા જ બપોરે 3:30 કલાકની આસપાસ તો મચ્છુના પુરે મોરબીને ડુબાડી આસુંના પુર વ્હાવ્યા હતા. મચ્છુ 2 ડેમ તૂટતા સર્જાઈ હતી હોનારત: માત્ર બે કલાકના ગાળામાં તો મોરબીને સ્મશાન બનાવી દીધું હતું.જેમાં શહેરમાં વધી રહેલા પાણીના પ્રવાહને જોઇને ગભરાય ગયેલા મોરબીવાસીઓ આમથી તેમ જીવ બચાવવા ભાગાભાગી કરી હતી. પરંતુ જીવ બચાવવા ક્યાં જવું કારણ કે નીચે પાણી પાણી હતા. તો જે લોકો ઈમારત અને મકાનો પર ચડીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો તે ઈમારતો પણ પાણીના પ્રવાહનો સામનો ન કરી શકી. અને ઈમારતો પણ જમીનદોસ્ત બની ગઈ હતી. આ રીતે મચ્છુના પુરમાં સતાવાર સહિતના વિવિધ અંદાજ મુજબ 1800થી 25000 લોકોના મોત થયા હતા અને હજારો પશુઓ મોતને ભેટ્યા હતા. તેમજ માલ મિલકતને લાખો કરોડોનું નુકસાન થયું હતું. આ પ્રલયકારી મચ્છુ જળ હોનારતના આજે 46 વર્ષ પુરા થતા હોય મોરબીવાસીઓની નજર સમક્ષ એ કાળજું કપાવનારી દુર્ઘટના તરવરી ઉઠતા ખોફ સાથે આંખમાંથી આસુંની ધારા વહે છે. આથી દર વર્ષની જેમ આજે મચ્છુ જળ હોનારતની દુર્ઘટનાની 46મી વરસીએ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા મનપા દ્વારા 21 સાયરન વગાડી ડેમ તૂટવાના સમયથી મનપા કચેરીથી મણીમંદિર પાસે આવેલા સ્મૃતિ સ્તભ સુધી શોક યાત્રા કાઢવામાં આવશે.
મચ્છુ પુર દુર્ઘટના સાથે જોડેયેલી મહત્વની બાબતો
-મચ્છુ પુર દુર્ઘટનાની પહેલા લંડન બીબીસીને સેટેલાઈટ ઉપગ્રહથી જાણ થઈ
– બીબીસીએ તુરંત જ ભારત સરકારને જાણ કરતા સરકારની તમામ રાહત બચાવ એજન્સીઓ અને સંસ્થાઓ મોરબી દોડી આવી પણ ત્યાં સુધીમાં મોરબી સ્મશાન બની ગયું હતું
— હોનારત બાદ ચારેકોર કોર કીચડ, પાણી અને જ્યાં ત્યાં માનવ અને પશુઓના શબો પડયા હોય જેનાથી ભયકર દુર્ગધ ફેલાતી હોય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ હોવાથી આ તમામ શબોના સામુહિક અગ્નિ સંસ્કાર કરવા પડ્યા
-ગુજરાત સરકારના એ સમયના મુખ્યમંત્રી બાબભાઈ જશભાઈ પટેલ સહિતનું મંત્રીમંડળ દોડી આવીને જ્યાં સુધી મોરબી બેઠું ન થાય ત્યાં સુધી મોરબીમાં જ સચિવાલય બનાવી દીધું
-મોરબીને બેઠું કરવા સમગ્ર ભારત જ નહીં પણ વિશ્વભરમાંથી ભારે સંવેદના સાથે મદદ મળી
– કોઈપણ જગ્યાએ કોઈપણ આફત આવે તો મોરબીવાસી ઋણ ચૂકવવાનું ભૂલતા નથી
-મચ્છુ જળ હોનારતની સાચી વિગતો સામે લાવવા ડોક્યુમેન્ટરી ફિલ્મ બની અને પુસ્તક પણ લખાયું
-મોરબી કર્મની ભૂમિ હોવાની સાથે સાહસિક હોવાથી થોડા જ વર્ષોમાં મોરબી રાખમાંથી બેઠું થયું અને આ ખમીરવંતી અને જીદાદિલ પ્રજાએ આપબળે મહેનતથી એવો વિકાસ સાધ્યો કે માત્ર ગુજરાત કે ભારત જ નહીં સમગ્ર વિશ્વને નોંધ લેવી પડી
– પહેલા નળીયા, તળીયા, મોઝેક,ઘડિયાળ તેમજ હવે સીરામીક, પેપરમિલ,પોલીપેક, પેકેઝીગ સહિતના ઉધોગોથી મોરબી વિશ્વભરમાં જાણીતું બન્યું
-ખૂબી હોય એની ખામી હોય એમ મોરબી જિલ્લો અને હવે મનપા બન્યા પછી પણ નેતાઓની મથરાવટી મેલી કારણે હજુ પણ મોરબી મેગા સીટી બની શક્યું નહીં
સાત દીકરા સહિત પરિવારના 16 સભ્યો ગુમાવનાર વડીલની આંખમાંથી હજુ આંસુ સુકાતા નથી
મોરબીની મચ્છુ જળ હોનારતમા સાત દીકરા સાથે પરિવારના 16 સભ્યો ગુમાવનાર 88 વર્ષીય વડીલ છગનભાઈ દેવસીભાઈ પ્રજાપતિની આંખમાંથી આ દુર્ઘટનાના 46 વર્ષ વીતવા છતાં હજુ ય પણ આંસુ સુકાતાં નથી. તેઓની નજર સામે આજે પણ એ દુર્ઘટના તરવરી ઉઠે ત્યારે ભય, ખોફ અને લાચારીથી એમની આખો ચોધાર આંસુએ રડી પડે છે. તેઓ કહે છે કે, મચ્છુ દુર્ઘટનાએ તેમનું સર્વસ્વ છીનવી લીધું. જેમાં મચ્છુ ડેમ તૂટતા મોરબીમાં ભારે તારાજી થઈ હતી. એ સમયે તેઓ મોરબીની હાલની ક્રિષ્ના હોસ્પિટલ જ્યાં આવેલી હોય ત્યાં અગાઉ નળીયાનું કારખાનું હોવાથી તેઓ પરિવારના 16 સભ્યો સાથે મજૂરી કામ કરીને ત્યાંજ રહેતા હતા. મચ્છુ ડેમ તૂટ્યો ત્યારે તેઓ પુત્રો સાથે મકાનની છત ઉપર હોય પણ 18 ફૂટ પાણી આવતા છત તૂટી પડી અને તેઓ પત્ની,પુત્રો સહિત પરિવારના 16 સભ્યો ડૂબી ગયા હતા. જો કે છગનભાઇ તણાયને છ ગામ દૂર પહોંચી ગયા હતા.પણ તેમના સાત દીકરા, બે દીકરી સહિત પરિવારના 16 સભ્યો નાના હોવાથી તરતા ન આવડતા ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા.તેમના પત્ની પણ તણાયા હતા. પણ તેમના હાથમાં ઘાસનો પોટલો આવી જતા તેઓ બચી ગયા ગયા હતા. બન્ને પતિ પત્ની બચી ગયા હોય પણ દૂર દૂર પહોંચી જતા બંનેને આ ભવે ભેળા નહિ થવાય એવું લાગ્યું હતું. પણ પાણી ઓસરી જતા બન્ને પરત ઘરે આવ્યા તો ખરા પણ ત્યાં સુધીમાં તેમણે બધું જ ગુમાવી દીધું હતું.