મોરબી શહેરમાં આજ રોજ ગણપતિ મહોત્સવનું સમાપન થતાં ઠેર ઠેર શોભાયાત્રા નીકળી રહી છે અને ભક્તો ગણપતિ બાપ્પાને ભાવભીની વિદાય આપી રહ્યા છે. ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી મહાનગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન માટે 4 જેટલા મૂર્તિના કલેક્શન પોઈન્ટ રાખવામાં આવ્યા હતા. જેમાં મોરબીના સ્કાયમોલ, સામાકાંઠે એલઈ ક્રિકેટ ગ્રાઉન્ડ, ગર્લ્સ હાઈસ્કૂલ અને પોલીસ પરેડ ગ્રાઉન્ડ આમ ચાર જગ્યાએ કલેક્શન પોઈન્ટ રખાયા હતા. આ તમામ કલેક્શન પોઈન્ટ ખાતે મૂર્તિઓનું કલેક્શન કરીને પિકનિક પોઈન્ટ ખાતે વિસર્જન કરાયું હતું. આ ઉપરાંત જે મોટી ઉંચાઈની મૂર્તિઓ હોય તેનું ડાયરેક્ટ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 428 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરાયું છે.
ગણપતિ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઠેર ઠેર જગ્યાએ પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. શોભાયાત્રામાં પણ પોલીસ ચુસ્ત બંદોબસ્ત રાખી રહી છે. જેમાં મોરબી એ ડિવિઝન, બી ડિવિઝન, તાલુકા પોલીસ સ્ટેશન, એસઓજી, એલસીબી સહિતના પોલીસ સ્ટેશનનો 100થી વધુ પોલીસ કર્મીઓનો સ્ટાફ અને ટ્રાફિક પોલીસનો સ્ટાફ જોડાયો છે. જેમાં પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ પણ બંદોબસ્તમાં જોડાયા છે. આ ઉપરાંત પિકનિક પોઈન્ટ ખાતે જ્યાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે ત્યાં મોરબી મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ સહિતના વિભાગના 70થી વધુ કર્મચારીઓ ખડેપગે છે. 17 જેટલા તરવૈયાઓ પણ સ્થળ પર હાજર છે.













