વાંકાનેર : વાંકાનેર-રાજકોટને જોડતા રસ્તા પર સિંધાવદર નદી પર આવેલો બ્રિજ જોખમી હાલતમાં છે અને હાલ આ બ્રિજ પરથી મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પરંતુ તેમ છતાં બ્રિજ પરથી ટ્રક સહિતના ભારે વાહનો પસાર થઈ રહ્યા છે. બ્રિજ પર મસમોટા ખાડા પડી ગયા છે. બ્રિજનું રિનોવેશન કરાયું હોવા છતાં હાલત ખરાબ થઈ ગઈ છે. ત્યારે તંત્ર દ્વારા ભારે વાહનો ચાલતા હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. જો મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવો પ્રશ્ન પર લોકોના મનમાં ઉઠી રહ્યો છે. તેથી તાત્કાલિક પગલાં લઈને બ્રિજ પરથી ભારે વાહનોને પ્રવેશ બંધ કરવામાં આવે તેવી વાંકાનેર કોંગ્રેસ અગ્રણી આબીદ ગઢવારાએ રજૂઆત કરી છે.













