મોરબી: મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના તમામ ખાદ્યપદાર્થ વિક્રેતાઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મહાપાલિકાએ હવે ફૂડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નવી પદ્ધતિ મુજબ વેપારીઓ હવે ઘેર બેઠા જ પોતાનું ફૂડ લાયસન્સ મેળવી શકશ
મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, શહેરના તમામ નાના-મોટા ખાદ્યપદાર્થના ધંધાર્થીઓ જેવા કે મીઠાઈ-ફરસાણના વેપારીઓ, હોટેલ-રેસ્ટોરન્ટ સંચાલકો, કરિયાણાના વેપારી, ડેરી પાર્લર, આઈસ્ક્રીમ વિક્રેતા તેમજ લારી-ગલ્લા ધારકોએ ફરજિયાતપણે ફૂડ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. જે વેપારીઓએ હજુ સુધી રજીસ્ટ્રેશન નથી કરાવ્યું, તેઓને તાત્કાલિક ધોરણે ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું છે.
ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
ફૂડ લાયસન્સ મેળવવા માટે વેપારીઓએ foscos.fssai.gov.in વેબસાઈટનો ઉપયોગ કરવાનો રહેશે. આ વેબસાઈટ સવારે ૭:૦૦ થી રાત્રે ૧૧:૦૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે. અરજી પ્રક્રિયા નીચે મુજબ છે:
● વેબસાઈટ પર લોગીન ફોર બિઝનેસ કરી આઈડી-પાસવર્ડ જનરેટ કરવા.
● રાજ્યમાં ‘ગુજરાત’ પસંદ કરવું.
● ધંધાનો યોગ્ય પ્રકાર સિલેક્ટ કરવો.
● ફોર્મની વિગતો ભરી, ફૂડ પ્રોડક્ટ કેટેગરી પસંદ કરી, જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા.
● નિયત ફી ઓનલાઈન જમા કરવી અને જ્યુરીશડિક્સન નક્કી કરવું.
● અધિકારી દ્વારા દસ્તાવેજોની ચકાસણી અને જરૂર જણાય તો સ્થળ તપાસ (ઇન્સ્પેક્શન) બાદ QR કોડ વાળું લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવશે.
મોરબી મહાનગરપાલિકાના ફૂડ સેફટી ઇન્સ્પેકટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે પાલિકા દ્વારા હાલ નિયમિતપણે રજીસ્ટ્રેશન, સ્વચ્છતા અને સેમ્પલ ચેકિંગની કામગીરી ચાલુ છે. પરંતુ આગામી દિવસોમાં આ પ્રક્રિયા વધુ કડક બનાવવામાં આવશે. જેથી કોઈ પણ પ્રકારની દંડાત્મક કાર્યવાહીથી બચવા માટે તમામ વિક્રેતાઓને વહેલી તકે ઓનલાઈન પદ્ધતિથી રજીસ્ટ્રેશન કરી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.









