મોરબીમાં સોનીબજાર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે આગામી સમયમાં દાનવીર દાતાઓનો સન્માન સમારોહ યોજાવા જઈ રહ્યો છે. જૈન દર્શનમાં દાનના 10 પ્રકાર બતાવવામાં આવ્યા છે અને ભગવાન મહાવીર સ્વામીએ પણ સાત ક્ષેત્રમાં દાનનું વિશેષ મહત્વ સમજાવ્યું છે, ત્યારે આવા દાનવીરોનું સન્માન અને અનુમોદના કરવા માટે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ગચ્છાધિપતિ આચાર્ય ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં સોનીબજાર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સમાજના સુપ્રતિષ્ઠિત હિતચિંતક અને દાતા નવિનચંદ્ર તારાચંદ દોશીને ‘સંઘરત્ન’ની વિશેષ પદવી એનાયત કરવામાં આવશે. આ સાથે જ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહેતા એડવોકેટ ઉર્મિલાબેન મહેતાને ‘સંઘ દીપિકા’ તરીકે સન્માનિત કરવામાં આવશે. આ ભવ્ય સન્માન સમારોહ આવતીકાલે તારીખ 05/4/2026 ને રવિવારના રોજ યોજાશે.
નોંધનીય છે કે, નવિનભાઈ દોશી સંઘપ્રમુખ તરીકે અને ઉર્મિલાબેન ઉપપ્રમુખ તરીકે વર્ષોથી સોનીબજાર સંઘમાં તન-મન-ધનથી સેવા આપી રહ્યા છે. આ બંને મહાનુભાવો સમગ્ર જૈન સમાજમાં જીવદયા, માનવતા, અનુકંપા અને વૈયાવચ્ચ ભક્તિમાં હંમેશા અગ્રેસર રહે છે. જૈન ધર્મમાં આહારદાન, ઔષધદાન, અભયદાન અને સુપાત્રદાનનો મહિમા છે, જેનું આ બંને મહાનુભાવોએ સદાય પાલન કર્યું છે.
આ પ્રસંગે મોરબીના સકલ જૈન સંઘો અને વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે તેવી માહિતી સંઘના મંત્રી અશોકભાઈ મહેતાએ આપી છે. કાર્યક્રમને સફળ બનાવવા સંઘના ટ્રસ્ટીઓ હસમુખભાઈ દોશી, યોગેશભાઈ મહેતા અને કેતનભાઈ મહેતા સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.











