મોરબી: ચેક રિટર્નના એક મહત્વના કેસમાં મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા આરોપી શ્રેય પ્રવીણભાઈ કાલાવાડિયાને બે વર્ષની સાદી કેદની સજા તથા રૂ. ૯,૦૦,૦૦૦/- દંડ ફટકારવામાં આવ્યો છે.
કેસની હકીકત મુજબ ફરીયાદી દીપકભાઈ મોહનભાઈ ગજરા અને આરોપી પરિચિત હતા. આરોપીને નાણાંકીય જરૂરિયાત પડતા ફરીયાદીએ વિશ્વાસના આધારે રૂ. ૪,૫૦,૦૦૦/- વ્યાજ વિના હાથ ઉછીના આપ્યા હતા. ત્યારબાદ રકમ પરત માંગતા આરોપીએ બેંક ઓફ બરોડા, મોરબી શાખાનો સહી કરેલો ચેક આપ્યો હતો.
ફરીયાદીએ ચેક વસુલાત માટે પોતાના ખાતામાં જમા કરાવતા તે “પેમેન્ટ સ્ટોપ બાય ડ્રોઅર” ના કારણે પરત ફર્યો હતો. આ અંગે ફરીયાદીએ આરોપીને જાણ કરી હતી, તેમ છતાં કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો. તા. ૦૯/૦૧/૨૦૨૫ના રોજ કાયદેસરની નોટિસ મોકલવામાં આવી હોવા છતાં આરોપીએ ન તો રકમ પરત કરી અને ન કોઈ પ્રતિસાદ આપ્યો.
આથી ફરીયાદીએ ભારતીય વટાઉખત અધિનિયમ, કલમ ૧૩૮ હેઠળ પોતાના વકીલ ખુશ્બુ પી. વીસાણી મારફતે મોરબી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન ફરીયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને દલીલો માન્ય રાખીને અદાલતે આરોપીને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે વિવાદિત રકમ રૂ. ૪,૫૦,૦૦૦/- ની ડબલ રકમ એટલે કે રૂ. ૯,૦૦,૦૦૦/- દંડ તથા બે વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. વધુમાં, જો આરોપી દંડની રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે તો વધારાના ૯૦ દિવસની સાદી કેદ ભોગવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરીયાદી પક્ષ તરફેથી એડવોકેટ ખુશ્બુ પી. વીસાણી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.









