મોરબી: મોરબીની સબ જેલમાં આજે બપોરે અમદાવાદની સ્પેશિયલ સ્કવોડ દ્વારા ઓચિંતુ ચેકિંગ હાથ ધરવામાં આવતા જેલ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન જેલના બેરેકના બાથરૂમમાંથી બિનવારસી હાલતમાં બે મોબાઈલ ફોન મળી આવતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, આજે તારીખ 13/02/2026 ના રોજ બપોરના સમયે અમદાવાદ જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીના ઝડતી સ્કવોર્ડ જેલર દેવશીભાઈ રણમલભાઇ કરંગીયા અને તેમની ટીમે મોરબી સબ જેલ ખાતે અચાનક ધામા નાખ્યા હતા. આ ટીમે સવારે 11:05 થી 13:00 કલાક દરમિયાન જેલમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
આ બનાવ અંગે જેલર દેવશીભાઈ કરંગીયાએ સરકાર પક્ષે ફરિયાદી બનીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 223 તથા પ્રિઝન એક્ટની કલમ 42, 43 અને 45(12) મુજબ અજાણ્યા કેદી અથવા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાલ આ કેસની વધુ તપાસ પી.એસ.આઈ. કરકર ચલાવી રહ્યા છે. સબ જેલ જેવી સુરક્ષિત જગ્યાએ પ્રતિબંધિત મોબાઈલ ફોન કેવી રીતે ઘુસાડવામાં આવ્યા અને તેનો ઉપયોગ કોણ કરતું હતું? તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.









