મોરબી: પવિત્ર મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મોરબી નજીક આવેલા પૌરાણિક રફાળેશ્વર મહાદેવ ખાતે આજથી બે દિવસીય પરંપરાગત લોકમેળાનો વિધિવત પ્રારંભ થયો છે. આ મેળાનું ઉદઘાટન ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને મોરબી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. રફાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ મેળામાં આ વર્ષે પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બે દિવસ સુધી ચાલનારા આ મેળામાં લોકો ભક્તિ અને મનોરંજનનો ત્રિવેણી સંગમ માણશે. વહેલી સવારથી જ શિવભક્તો અને મેળાના રસિયાઓની ભીડ જામશે તેવી શક્યતા છે.










