Saturday, February 14, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની નિર્મલ વિદ્યાલયમાં માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ અને વિજ્ઞાન મેળો યોજાયો

મોરબીની નિર્મલ વિદ્યાલયમાં માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ અને વિજ્ઞાન મેળો યોજાયો

મોરબી: આજના આધુનિક યુગમાં અને ખાસ કરીને ફેબ્રુઆરી મહિનામાં જ્યારે યુવાધન પશ્ચિમી સંસ્કૃતિના તહેવાર ‘વેલેન્ટાઈન ડે’ તરફ આકર્ષિત થઈ રહ્યું છે, ત્યારે મોરબીની જાણીતી સાંદિપની એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નિર્મલ વિદ્યાલય દ્વારા એક અનોખી અને પ્રેરણાદાયક પહેલ કરવામાં આવી છે. શાળાના પટાંગણમાં વિદ્યાર્થીઓ માટે ભવ્ય ‘માતૃ-પિતૃ પૂજન સમારોહ’ તેમજ ‘વિજ્ઞાન પ્રદર્શન’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

શાળાના આચાર્ય રમણીકભાઇ બરાસરા સાહેબે માહિતી આપતા જણાવ્યું હતું કે, આજના સમયમાં બાળકો અને માતા-પિતા વચ્ચેનું અંતર વધી રહ્યું છે. ત્યારે બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય અને તેઓ અંતરથી પોતાના માતા-પિતાની વધુ નજીક આવે તેવા ઉમદા આશયથી આ માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિશાળ મંડપ નીચે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ પોતાના વાલીઓનું કંકુ-તિલક અને પુષ્પથી શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરી આશીર્વાદ લીધા હતા. આ એક અત્યંત ભાવાત્મક પ્રસંગ હતો, જેમાં અનેક વાલીઓ અને વિદ્યાર્થીઓની આંખો હર્ષ અને પ્રેમથી છલકાઈ ઉઠી હતી.

માતૃ-પિતૃ પૂજનની સાથે સાથે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યેની રુચિ વધે, તેઓ પ્રકૃતિ અને પર્યાવરણની નજીક જાય અને તેમનામાં નાનપણથી જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય તે હેતુથી એક વિશાળ ‘વિજ્ઞાન મેળો’ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના તેજસ્વી તારલાઓએ જાતે બનાવેલા વિવિધ વૈજ્ઞાનિક અને ગાણિતિક પ્રોજેક્ટ્સ તેમજ વર્કિંગ મોડેલ્સ રજૂ કર્યા હતા.

આજના આ દિવ્ય અને જ્ઞાનવર્ધક કાર્યક્રમમાં બાળકોનો ઉત્સાહ વધારવા માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી હિરલબેન વ્યાસ, બાવરવા સાહેબ તેમજ અન્ય સરકારી અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યો હતો.

નિર્મલ વિદ્યાલયના પ્રિન્સિપાલ નિલેશ કુંડારિયાએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં પ્રેમના દિવસની સાચી ઉજવણી માતૃ-પિતૃ પૂજનથી જ સાર્થક થાય છે. આજના ફાસ્ટ યુગમાં વાલીઓએ પણ પોતાનો કિંમતી સમય કાઢીને બાળકો સાથે સ્ટેજ પર પરફોર્મન્સમાં ભાગ લીધો, તે શાળા પરિવાર માટે ગૌરવ અને આનંદની વાત છે. અંતમાં શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો અને વાલીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments