Wednesday, March 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરંગોત્સવ : અંતરની ઉજાસ અને જીવનને સાચા અર્થમાં રંગીન બનાવતો પર્વ

રંગોત્સવ : અંતરની ઉજાસ અને જીવનને સાચા અર્થમાં રંગીન બનાવતો પર્વ

રંગોનું પર્વ એટલે હોળી – ધૂળેટી.પરંતુ હોળી માત્ર રંગોથી રમવાનો ઉત્સવ નથી; તે માનવજીવનના આંતરિક રૂપાંતરણનો મહોત્સવ છે. આ પર્વ આપણને યાદ અપાવે છે કે જીવન માત્ર દિવસોની ગતિ નથી, પરંતુ ભાવનાઓની ગહનતા, સંબંધોની ઊંડાણ અને મૂલ્યોની ઉજાસથી ચિતરાયેલું એક દિવ્ય સર્જન છે.

જીવન એક વિશાળ કેન્વાસ છે. દરેક મનુષ્ય પોતાના જીવનનો સર્જક છે. તેના હાથમાં રંગોની પેલેટ છે — પ્રેમનો, કરુણાનો, ક્ષમાનો, સૌહાર્દનો અને સહઅસ્તિત્વનો. પ્રશ્ન એટલો જ છે કે તે કયો રંગ પસંદ કરે છે. અહંકાર, ઈર્ષ્યા અને દ્વેષના રંગોથી ચિતરાયેલ જીવન નિર્જીવ બની જાય છે; જ્યારે સ્નેહ, માફી અને સમરસતાના રંગોથી ચિતરાયેલ જીવન તેજસ્વી અને મનોહર બની ઊભરે છે.

હોળીકા દહન માત્ર પરંપરા નથી; તે આત્મમંથનનો પવિત્ર ક્ષણ છે. આ અગ્નિ સામે ઊભા રહી આપણે પોતાના અંદરના અભિમાન, વિખવાદ અને અસંતોષને વિલય કરવાની પ્રાર્થના કરવી જોઈએ. “હું” અને “મારું” ના અતિરેકને છોડીને “અમે” અને “આપણું” ની ભાવનાને સ્વીકારવી એ જ હોળીનો સાચો સંદેશ છે.

ધાણી આપણને સમજાવે છે કે જો અંતરમાં દૃઢતા નહીં હોય તો પરિસ્થિતિની ઝાળ આપણને ભાંગી નાખશે. ખજૂર શીખવે છે કે બહારથી મીઠાશ અને નરમાઈ હોવી જોઈએ, પરંતુ અંદરથી અડગ સંકલ્પ અને સંયમ હોવો જોઈએ. જીવનમાં કપરા સમય આવવાના જ છે, પરંતુ જે વ્યક્તિ વિપત્તિમાં પણ પોતાની મૂલ્યપ્રણાલીને જાળવી રાખે છે, તે જ સાચા અર્થમાં વિજેતા બને છે. કસોટી પછી જ રંગીન ફળ મળે છે.જો હિંમત અકબંધ રહે.

આધુનિક સમયમાં તહેવારોનો ઉત્સાહ ક્યારેક માત્ર ફોટા અને પોસ્ટ સુધી સીમિત રહી ગયો છે. પરંતુ સાચો રંગોત્સવ ત્યારે ઉજવાય છે, જ્યારે આપણે કોઈના મનનો ભાર હળવો કરીએ, તૂટેલા સંબંધોને ફરી જોડીએ અને હૃદયપૂર્વક પ્રેમનો રંગ ભરીએ. રંગ લગાવવો સહેલો છે, પરંતુ લાગણીઓમાં રંગાઈ જવું — એ જ અસલી ઉજવણી છે.

હોળી આપણને શીખવે છે કે અગ્નિ પછી ઉજાસ આવે છે, અંધકાર પછી પ્રભાત જન્મે છે અને સંઘર્ષ પછી સફળતા પ્રાપ્ત થાય છે. જો આજે જીવન કઠિન લાગે, તો નિરાશ થવાનું નથી; કારણ કે દરેક પરીક્ષા પછી રંગોથી સજાયેલો આવતીકાલ રાહ જોઈ રહ્યો છે.

ચાલો, આ પર્વે સંકલ્પ કરીએ કે જીવનમાં દયા, સહાનુભૂતિ, સકારાત્મકતા અને સંવાદના રંગ ભરીએ. મતભેદોને પાછળ મૂકી હૃદયના દરવાજા ખોલીએ. સંબંધોને માત્ર પરંપરાથી નહીં, પરંતુ અંતરની ઊષ્માથી ઉજવીએ.

આ રંગોત્સવ આપણા અંતરમાં નવી પ્રેરણા, નવી આશા અને નવી શરૂઆતનું પ્રકાશ પ્રગટાવે એવી હાર્દિક પ્રાર્થના. -ડૉ. દેવેન રબારી

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments