હળવદ : મોરબી જિલ્લાના હળવદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પડતી મુશ્કેલીઓ નિવારવા માટે ભાજપ અગ્રણી દ્વારા મહત્વની રજૂઆત કરવામાં આવી છે. હળવદ ખાતે સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ ત્રણેય પ્રવાહની સુવિધા ધરાવતી સરકારી કોલેજ વહેલી તકે શરૂ થાય તે માટે રાજ્યના શિક્ષણ મંત્રીને લેખિત પત્ર પાઠવવામાં આવ્યો છે.
મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી અને શહેર ભાજપ પ્રમુખ તપન દવે દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે, હળવદ શહેર તથા આસપાસના 60થી વધુ ગામોના વિદ્યાર્થીઓ માટે સ્થાનિક સ્તરે ઉચ્ચ શિક્ષણની પૂરતી સુવિધા નથી. હાલમાં ધોરણ 12 પાસ કર્યા પછી વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ માટે મોરબી, સુરેન્દ્રનગર કે અન્ય દૂરના શહેરોમાં જવું પડે છે.
આ પરિસ્થિતિને કારણે ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવારો પર મોટો બોજો પડે છે. પરિવહન, રહેવા અને અન્ય ખર્ચને કારણે અનેક વિદ્યાર્થીઓ અને ખાસ કરીને દીકરીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી જાય છે અથવા ભારે હાલાકી ભોગવવી પડે છે. જો હળવદમાં જ સરકારી કોલેજ શરૂ કરવામાં આવે તો આ પંથકના હજારો વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર અને સસ્તું શિક્ષણ ઘરઆંગણે મળી શકે તેમ છે. વધુમાં રજૂઆતમાં જણાવાયું છે કે, ગુજરાત સરકાર દ્વારા હળવદ તાલુકાને અનેક લાભો મળી રહ્યા છે, ત્યારે જો આ શૈક્ષણિક સુવિધામાં ઉમેરો થાય તો વિસ્તારના સર્વાંગી વિકાસને વેગ મળશે.











