Wednesday, March 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiBAPSના વડા પ.પૂ. મહંતસ્વામી મહારાજના હસ્તે અભૂતપૂર્વ ભાગવતી દીક્ષા મહોત્સવ સંપન્ન

BAPSના વડા પ.પૂ. મહંતસ્વામી મહારાજના હસ્તે અભૂતપૂર્વ ભાગવતી દીક્ષા મહોત્સવ સંપન્ન

ડોક્ટર, આર્કિટેક્ટ અને ૧૩ એન્જિનિયરો સહિત ૩૩ યુવાનોએ સ્વીકાર્યો ત્યાગનો માર્ગ
• સારંગપુરમાં ભવ્ય ‘ભાગવતી દીક્ષા’ મહોત્સવ
• કેનેડાના ૪ NRI અને ઉચ્ચ શિક્ષિત ૩૩ યુવાનો BAPSની સંત પરંપરામાં જોડાયા
• પરદેશના અનેક ભક્તોની સાથે હજારો ભક્તો રહ્યા ઉપસ્થિત 

BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પાવન નિશ્રામાં વધુ એક ઐતિહાસિક ‘ભાગવતી દીક્ષા (સંત દીક્ષા) મહોત્સવ’ અત્યંત ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો. આ ઐતિહાસિક પ્રસંગે ૩૩ નવયુવાન સુશિક્ષિત પાર્ષદોને પ.પૂ. મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે સંત દીક્ષા પ્રદાન કરવામાં આવી હતી. આ ૩૩ યુવાનોએ બે વર્ષ પૂર્વે પાર્ષદી દીક્ષા પ્રાપ્ત કરી હતી. 

દીક્ષિત થયેલા આ ૩૩ યુવાનો ભૌતિક અને શૈક્ષણિક રીતે અત્યંત સમૃદ્ધ બેકગ્રાઉન્ડ ધરાવે છે. જેમાં ૧૩ એન્જિનિયર્સ, ૧૧ ગ્રેજ્યુએટ્સ, ૩ માસ્ટર્સ ડિગ્રી ધારક, ૧ ડોક્ટર, ૧ આર્કિટેક્ટ અને અન્ય ઉચ્ચ અભ્યાસ ધરાવતા ૪ યુવાનોનો સમાવેશ થાય છે. આ નવદીક્ષિત સંતોમાં કેનેડામાં ઉછરેલા ૪ NRI યુવાનોનો પણ સમાવેશ થાય છે. તેઓએ પોતાની ઉજ્જવળ કારકિર્દી અને ભૌતિક સુખોને તિલાંજલિ આપીને ભારતીય સંસ્કૃતિની મહાન ત્યાગ પરંપરા સહર્ષ અપનાવી છે. આ યુવાનોનું સમર્પણ આજના ભૌતિકવાદી યુગમાં સમાજ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડે છે.

દીક્ષા મહોત્સવનો પ્રારંભ આજે વહેલી સવારે ૬ વાગ્યે વૈદિક મહાપૂજા વિધિથી થયો હતો. દીક્ષા સમારોહ અંતર્ગત વરિષ્ઠ સંતોએ નવદીક્ષિતોને કંઠી, ઉપવસ્ત્ર અને પાઘ ધારણ કરાવી હતી તેમજ ભાલ અને બંને હાથે ચંદનની અર્ચા કરી હતી. ત્યારબાદ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે નવદીક્ષિત સંતોને ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમ દાસોસ્મિ’ (અર્થાત્: હું અક્ષર છું અને પુરુષોત્તમનો દાસ છું) નો ગુરુમંત્ર આપી આશીર્વાદ પાઠવ્યા હતા. આ ઐતિહાસિક સભામાં દીક્ષાર્થી પાર્ષદોના પિતાશ્રીઓને સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા અને માતાઓનું વરિષ્ઠ મહિલા અગ્રણીઓ સન્માનિત કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે મહંતસ્વામી મહારાજે ૨૯ યુવાનોને પાર્ષદી દીક્ષા આપી હતી. આજની દીક્ષા સાથે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે અત્યાર સુધીમાં કુલ ૩૫૨ યુવાનો દીક્ષિત થયા છે. આ સાથે જ BAPS સંસ્થાના સંતોની કુલ સંખ્યા ૧૨૩૪ ના આંકડા પર પહોંચી છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) માં માન્યતા ધરાવતી BAPS સંસ્થાના આ ઉચ્ચ શિક્ષિત સંતો એક પણ દિવસની રજા કે કોઈપણ પ્રકારના વેતન વિના સમગ્ર જીવન ગુરુની આજ્ઞા મુજબ સેવા અને ભક્તિમાં વિતાવે છે. આ સંતો ચારિત્ર્યવાન, મૂલ્યનિષ્ઠ અને આધ્યાત્મિક રીતે જાગૃત એવા સમાજના નિર્માણમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપે છે. એટલું જ નહીં, ભૂકંપ, સુનામી, પૂર કે યુક્રેન-રશિયા યુદ્ધ જેવી વૈશ્વિક આફતો હોય, કે પછી સમાજમાં વ્યસનમુક્તિ અને પર્યાવરણ જતનનું કાર્ય હોય – આ સંતોના નેતૃત્વમાં BAPS સંસ્થાએ વૈશ્વિક સ્તરે માનવ સેવાની ભાગીરથી વહાવી છે. સનાતન ધર્મનાં મૂલ્યો આજે પણ જીવંત છે, તેની પ્રતીતિ આ યુવાન સંતોના અદભુત સમર્પણ પરથી થાય છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments