જડેશ્વર મંદિરથી શોભાયાત્રા નીકળી રામ મહેલ મંદિર સુધી જશે
મોરબી : મોરબી શહેરમાં દર વર્ષે સર્વે હિંદુ સંગઠનો દ્વારા જન્માષ્ટમીના દિવસે દિવ્ય અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તેના અનુસંધાને આ વર્ષે પણ કૃષ્ણ જન્મોત્સવના દિવસે એટલે કે 16 ઓગસ્ટ ને શનિવારના રોજ સર્વે હિંદુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રા અને મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે.
આ અંગે આયોજકોએ જણાવ્યું હતું કે, 16 ઓગસ્ટના રોજ નીકળનારી આ કૃષ્ણ જન્મોત્સવની શોભાયાત્રા જડેશ્વર મંદિરથી શરૂ થશે અને ત્યાંથી સુપર ટોકિઝ, સીપીઆઈ ઓફિસ, નવાડેલા રોડ, રિદ્ધિસિદ્ધિ ફટાકડા, ખાખીની જગ્યા, જુના બસ સ્ટેશન, રામ ચોક, સીતા ચોક, ચકિયા હનુમાન, ભગતસિંહ ચોક, યદુનંદન ગેઈટ, નગર દરવાજા, ગ્રીન ચોક થઈ રામ મહેલ મંદિરે પૂર્ણ કરવામાં આવશે. આ શોભાયાત્રા દરમિયાન 18થી વધુ જગ્યાએ મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે. આ શોભાયાત્રામાં હિંદુ સમાજના અલગ અલગ ફ્લોટ્સ પણ જોડાશે. ધાર્મિક સંગઠનોના ફ્લોટ્સ પણ જોડાશે. શોભાયાત્રા દરમિયાન વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિવિધ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે. તો આ શોભાયાત્રામાં સર્વે સનાતની ભાઈઓ-બહેનોને જોડાવવા અપીલ કરવામાં આવી છે. જેમાં ભાઈઓને પીળો ઝભ્ભો પહેરીને અને બહેનોને હિંદુ સંસ્કૃતિ પ્રમાણેના વસ્ત્રો પહેરીને જોડાવવા અપીલ કરાઈ છે. આ ઉપરાંત નાના બાળકોને જન્માષ્ટમીના તહેવાર દરમિયાન કાનુડાના વસ્ત્રો પહેરાવીને સજાવવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી છે.











