મોરબી જિલ્લાના તમામ હિન્દૂ સંગઠનો દ્વારા આરોપી, તેના સાથી મિત્રો તથા સ્કૂલ પ્રશાસન સામે કડકમાં કડક સજા આપવા માંગ કરાઈ
મોરબી : અમદાવાદમાં મણિનગર ખાતે થયેલ સિંધી વિદ્યાર્થીની હત્યા મામલે ન્યાય આપવા બાબતે મોરબીમાં સિંધી જનરલ પંચાયત, વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગ દળ, એ.બી.વી.પી., આર.એસ.એસ. અને સિંધી સમાજ અને તમામ હિન્દૂ સંગઠનો દ્વારા મોરબી શહેર કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે.
આ આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, તા. 20-8-2025ના રોજ સેવન્થ ડે સ્કૂલ મણિનગર ખાતે ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી નયન ગીરીશકુમાર સંતાનીને સ્કૂલની લોબીમાં તે સ્કૂલના અન્ય વિદ્યાર્થીએ બહારના અન્ય છોકરાઓ સાથે નયન સંતાનીની બેરહેમીથી હત્યા કરી હતી. આ હુમલા બાદ નયન લગભગ 30 મિનિટ સુધી જીવન મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરતો હતો તે દરમ્યાન સ્કૂલ મેનેજમેન્ટ અને સ્ટાફ દ્વારા પીડિતને સારવાર નથી આપેલ અને કોઈપણ ગંભીર પગલાં લેવામાં આવેલ નથી. તે અત્યંત નિંદનીય બાબત છે. ત્યારે આ ગુન્હાના આરોપી અને તેના સાથી મિત્રો તથા સ્કૂલ પ્રશાસન સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે.
ત્યારે આ બાબતે દીપેશ કટારમલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં સિંધી સમાજના 15 વર્ષના વિદ્યાર્થીની નિર્મમ હત્યા કરવામાં આવી છે. ત્યારે આ હત્યા વખોરી કાઢતા તમામ હિન્દૂ સંગઠનોએ સાથે મળીને મોરબી કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. તેમજ નયન સંતાનીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં સૌ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ બનવા ફરી ન બને એ માટે મોરબી જિલ્લાની તમામ સ્કૂલો તેમજ અન્ય રાજ્યોમાં પણ આ બનાવ ન બને તે માટે આવેદન આપવામાં આવ્યું છે. તેમજ તમામ જિલ્લાની સ્કૂલમાં પ્રશાસન દ્વારા દરેક બાળકોના બેગ ચેક કર્યા બાદ જ તેમને શાળામાં પ્રવેશ આપવામાં આવે. તેમજ પીડિત બાળકના પરિવારને ન્યાય મળે અને આ કૃત્ય કરનાર આરોપી અને તેના સાથી મિત્રો તથા સ્કૂલ પ્રશાસન સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરાઈ છે.












