મોરબી : મોરબી જિલ્લા અને ઉપરવાસમાં સતત વરસાદને કારણે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમમાં પાણીની આવક વધી છે. જો કે આ ડેમ પહેલેથી જ ઓવરફ્લો હોય એમ હવે પાણીની આવક વધતા મચ્છુ ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. આ સાથે તંત્ર દ્વારા મોરબી અને માળિયા તાલુકાના હેઠવાસના ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે.
મોરબી જીલ્લામાં છેલ્લા 5 દિવસોથી વરસાદી વાતાવરણ હતું. આ ઉપરાંત ઉપરવાસમાં પણ સારો વરસાદ પડ્યો હોય મચ્છુ-2 ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. અગાઉ ડેમનો એક દરવાજો એક ફૂટ ખુલ્લો હતો. પાણીની આવક વધીને 2592 ક્યુસેક થતા બે દરવાજા બે ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે. જેથી મોરબી તાલુકના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા,જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા. બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર તેમજ માળીયા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ,મેધપર, હરીપર,મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મી).ને સાવચેત કરવામાં આવ્યા છે.











