ભૂદેવો દ્વારા વૈદિક વિધિ વિધાનથી વાતાવરણમાં પોઝીટીવ ઉર્જાનો સંચાર
મહોત્સવના મુખ્ય યજમાન ચેતનભાઈ, હરેશભાઇ તથા મિતેશભાઇ જાની તથા જાની પરિવાર દ્વારા મહાયજ્ઞમાં બેસી વિવિધ વૈદિક આહુતિઓ અર્પણ કરાઈ
વાંકાનેર : શહેરના રાજકોટ રોડ પર આવેલી વિવેકાનંદ સોસાયટી ખાતે નવનિર્મિત રુદ્રેશ્વર મહાદેવના મંદિરમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે વૈદિક વિધિ વિધાન સાથે શુભારંભ કરવામાં આવ્યો છે. પ્રખર વિદ્વાન ભૂદેવો સાથે ઋષિકુમારો દ્વારા પહાડી અને સ્પષ્ટ ઉચ્ચારો સાથે વૈદિક વિધિ વિધાનથી શહેરમાં પોઝીટીવ ઉર્જાનો સંચાર અનુભવી શકાય છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે વિક્રમ સંવત 2081 ના આસો સુદ-11 ને શુક્રવાર તા. 03.10.25 થી આસો સુદ-13 ને રવિવાર તા. 05.10.25 સુધી દ્વારકા શારદા પીઠના સંતો દ્વારા આસો સુદ-13 ને રવિવાર તા. 05.10.25 ના રોજ અભિજીત મુહૂર્તમાં શિવજીની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે.
મહાયજ્ઞમાં યજ્ઞાચાર્ય તરીકે શાસ્ત્રી ધર્મેશભાઈ પુરોહિત, શાસ્ત્રી યૌવનભાઈ પંડયા તેમજ તેમની વૈદિક ટીમના મંગલ મંત્રોચ્ચાર સાથે સંપૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા વૈદિક વિધિ અનુસાર અનુષ્ઠાનિત થશે. આસો સુદ-10 ને ગુરૂવાર તા. 02.10
25 સાંજે 5:30 કલાકે હેમાદ્રીપ્રોકત સ્નાન સંકલ્પ, દેહશુધ્ધિ પ્રાયશ્ચિત દશવિધ સ્નાન વિષ્ણુ પૂજન કરવામાં આવ્યું હતું. આજે પાવનકારી પ્રથમ દિવસ આસો સુદ-11 ને શુક્રવાર તા.03.10.25 ના રોજ પ્રથમ સત્રમાં મંગલાચરણ પૂર્વક ગણપતિ પૂજન, પુણ્યાહવાચન, માતૃકા પૂજન, આયુષ્ય મંત્ર જપ, આચાર્યાદિ ઋત્વીગ વરણ જ્યારે દ્વિતિય સત્રમાં પંચગવ્ય કરણ, પંચભૂ સંસ્કાર પૂર્વક અગ્નિ સ્થાપન, ગ્રહમંડલ દેવતા સ્થાપન પૂજન, સ્થાપિત દેવતા પૂજન, જલયાત્રા, નુતન મુર્તિણામ નગર યાત્રા, અત્યુતારણ, શય્યાધીવાસ, સાયં નિરાજનમ નૂતન મૂર્તિની નગરયાત્રા ઉપસ્થિત સંતોના પાવન સાનિધ્યમાં સાંજે 4:30 – 5:00 કલાકે રાજકોટ રોડ પર આવેલી બ્રહ્મ સમાજ સોસાયટી ખાતે રામેશ્વર મહાદેવ મંદિરથી નીકળી રુદ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી.
નગરયાત્રાઓમાં વિવેકાનંદ સોસાયટી, બ્રહ્મ સોસાયટી સહિત શહેર તથા આસપાસના બહોળી સંખ્યામાં ધર્મપ્રિય પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. વાજતે ગાજતે ભગવાન શિવની નગરયાત્રાથી વાતાવરણમાં શિવ શિવ શિવ ગુંજી ઉઠ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા સતત વરસાદને કારણે તેમજ હવામાન વિભાગની વધુ વરસાદ વરસવાની આગાહીને પગલે તા. ૪ ને શનિવારે યોજાનાર ધર્મસભા તથા મહાપ્રસાદ તેમજ બ્રહ્મભોજનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. તેની સર્વે ધર્મપ્રિય જનતાને ત્રિદિવસીય મહોત્સવના મુખ્ય યજમાન ચેતનભાઈ જાની દ્વારા જણાવામાં આવ્યું છે.
















