મોરબી મહાપાલિકાની ગાર્ડન શાખા દ્વારા શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે એક સરાહનીય પહેલ શરૂ કરવામાં આવી છે. જે વિસ્તારોમાં લોકો કચરો નાખીને ગંદકી કરે છે, તેવા ‘હોટ-સ્પોટ્સ’ પર ગાર્ડન શાખા દ્વારા ‘પોકેટ ગાર્ડન’ (નાના બગીચા) વિકસાવવામાં આવશે. આ પોકેટ ગાર્ડન ડેવલપ કરવાથી માત્ર ગંદકી દૂર થશે એટલું જ નહીં, પરંતુ રસ્તાઓ પરનું બ્યુટીફિકેશન પણ વધશે.
પ્રથમ તબક્કામાં, આવા નાના બગીચાઓ શહેરના મુખ્ય સ્થળો જેવા કે એલ.ઈ. કૉલેજ રોડ, સર્કિટ હાઉસ રોડ, અને સૂરજ બાગ નજીક આવેલા જીવીપી (GVP) પોઇન્ટ સહિત અનેક જગ્યાએ બનાવવામાં આવશે. વધુમાં, મોરબી મહાપાલિકાની ગાર્ડન શાખા દ્વારા લીલાપર ખાતે આવેલ મોહન બાગનું લે-આઉટ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. આગામી સમયમાં આ સ્થળે પણ ભવ્ય ગાર્ડન વિકસાવવામાં આવશે. આ ગાર્ડન લીલાપરની જનતા માટે એક નવું ફરવાલાયક અને સમય વિતાવવા માટેનું સુંદર સ્થળ બની રહેશે. ગાર્ડન શાખાના આ પ્રયાસો મોરબી શહેરને વધુ હરિયાળું અને સ્વચ્છ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.











