મોરબી મહાપાલિકા દ્વારા આજે ચક્કર રોડ ઉપર ડીમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં જેસીબી વડે મકાનોની દીવાલો તથા નડતરરૂપ બાંધકામો તોડવામાં આવી રહ્યા છે. આ કામગીરી સાંજ સુધી ચાલે તેવી શકયતા સેવાઈ રહી છે.
મોરબી મહાપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે ચક્કર રોડનો વારો લેવામાં આવ્યો છે. આ દોઢ કિમીનો રોડ રૂ.6.94 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સાથે મંજુર થયો છે. જેની ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. ડીમોલેશન બાદ આ રોડની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. આ મામલે કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે અહીં દોઢ કિલોમીટરના રોડનું કામ મંજુર થયું છે. રોડને નડતરરૂપ તમામ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.
વધુમાં મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે શહેરમાં ઘણા રોડના કામો પૂર્ણ થઈ ગયા છે. ઘણા હાલ ચાલુ છે. જેમાં નાની કેનાલ રોડનું કામ ચાલુ છે. ગ્રામ્ય વિસ્તારોમાં રૂ. 2.79 કરોડના ખર્ચે પેવર બ્લોક અનેસીસી રોડના કામ ચાલી રહ્યા છે. રૂ.4.76 કરોડના 15માં નાણાપંચની ગ્રાન્ટના કામો પણ શરૂ થશે. તેઓએ ઉમેર્યું કે મેજર રોડમાં લીલાપર રોડનું ટેન્ડર ચાલુ છે. ભડિયાદ રોડનું કામ આગામી દિવસોમાં ચાલુ થશે. એસપી રોડના કામનું ટેન્ડર એડવાન્સ સ્ટેજ ઉપર છે.














