સાયબર ક્રાઈમ પોલીસમાં 15 હજારની લાલચમાં ડોક્યુમેન્ટ આપનાર બે વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબી : મોરબી સહિત રાજ્યભરમાં સાયબર માફિયાઓના નેટવર્કને તોડી પાડવા સાયબર ક્રાઈમ પોલીસે રોજે રોજ ફરિયાદો નોંધાવી રહી છે ત્યારે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે કલર કામ કરતા યુવાનના નામે પેઢીનું એકાઉન્ટ ખોલી સાયબર માફિયાના એજન્ટ બનેલા શખ્સ સહિત બે વિરુદ્ધ વધુ એક ગુન્હો દાખલ કરી અલગ અલગ 31 બનાવમાં 92.88 લાખની ઠગાઈ મામલે ગુન્હો દાખલ કર્યો હતો.
મોરબી સાયબર ક્રાઈમ પોલીસે દિલ્હી અને ગાંધીનગર સાયબર એક્સેલન્સ ટીમની યાદી અન્વયે જુના બસસ્ટેન્ડ પાસે રહેતા ઇસ્માઇલ હુસેનભાઈ કટિયા અને આરોપી દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે.અનંતનગર, ઉમા ટાઉનશીપની બાજુમાં મોરબી વાળા વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરી આરોપી ઇસ્માઈલની પૂછતાછ કરતા પોતે કલરકામ કરતો હોવાનું જણાવી સ્ફોટક વિગતો જણાવી હતી. જેમાં સાયબર માફિયાઓના એજન્ટ દિવ્યરાજસિંહે કલરકામ કરતા ઇસ્માઇલને 15 હજારની લાલચ આપી ડોક્યુમેન્ટ મેળવી લીધા હતા અને બાદમાં જે.ડી.એન્ટર પ્રાઇઝ નામનું બેન્ક એકાઉન્ટ ખોલાવી તેમજ સેવિંગ એકાઉન્ટ ખોલાવી બેંકની કીટ મેળવી લઈ ખાતું ઓપરેટ કરતો હોવાનું કબુલ્યું હતું.
સાયબર માફિયાઓના એજન્ટ દિવ્યરાજસિંહે ખોલાવેલ જે.ડી.એન્ટર પ્રાઇઝ નામના ખાતામાં કેરળ, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને ગુજરાત સહિત અલગ અલગ રાજ્યમાં સાયબર માફિયાઓએ કરેલી ઠગાઈના રૂ.92, 88, 802 જમા કરાવ્યા હતા અને આ નાણાં દિવ્યરાજે ચેક, એટીએમથી ઉપાડી સગેવગે કર્યા હોય સાયબર ક્રાઈમ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.








