મોરબી : આવતીકાલે તારીખ 11 જાન્યુઆરી ને રવિવારના રોજ મોરબીમાં રવાપર રોડ પર આવેલા બાપા સીતારામ ચોક ખાતે આમ આદમી પાર્ટીની મહાસભા યોજાશે. આ મહાસભા વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલિયાની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવી છે.
આ મહાસભા અંગે માહિતી આપતા મોરબી આમ આદમી પાર્ટીના નેતા પંકજભાઈ રાણસરીયાએ જણાવ્યું હતું કે, આવતીકાલે 11 જાન્યુઆરીએ બાપા સીતારામ ચોક ખાતે રાત્રે 8-30 કલાકે ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલિયાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીની મહાસભા યોજાશે. આ મહાસભામાં ઉપસ્થિત રહીને ગોપાલભાઈ ઈટાલિયાના હસ્તે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને મોરબીવાસીઓને આમ આદમી પાર્ટીમાં જોડાવવા આહવાન કરાયું છે. સાથે જ મોરબીની પ્રજાના પડતર પ્રશ્નોને લેખિતમાં રજૂ કરવા પણ જણાવાયું છે. મોરબીના આ પડતર પ્રશ્નો ગોપાલભાઈ ઈટાલિયા દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવશે તેમ જણાવાયું છે.











