મોરબી : રાજ્યના યુવાધનને ડ્રગ્સની લતે ચડાવવા ડ્રગ્સ માફિયાઓ ગાંજો, ચરસ બાદ મેફેડ્રોન ડ્રગ્સનું ધૂમ વેચાણ કરી રહ્યા છે ત્યારે મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમે બાતમીને આધારે માળીયા ફાટક પાસે વોચ ગોઠવી રાજસ્થાનથી મેફેડ્રોન ડ્રગ્સ લઈ જામનગર જઈ રહેલ બે શખ્સને અર્ટિકા કાર સાથે ઝડપી લઈ નારકોટિક્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, જામનગરના બે શખ્સ આર્ટિકા કારમાં ડ્રગ્સ સાથે મોરબીથી પસાર થનાર છે.જે બાતમીને આધારે માળીયા ફાટક પાસે વોચ ગોઠવતા જીજે – 03 – એનપી – 4792 નંબરની અર્ટિકા કાર પસાર થતા અટકાવી તલાશી લેતા આરોપી તૌફિકમિયા હુસેનમિયા બુખારી રહે.નવાગામ ઘેડ, ઇરવિન હોસ્પિટલ પાછળ જામનગર અને આરોપી ઇકબાલ મુસાભાઈ ચાવડા રહે.નવા રેલવે સ્ટેશન પાસે, બેડેશ્વર રોડ, એકડેએક પીરની દરગાહ પાસે જામનગર વાળાઓ 50.13 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત રૂપિયા 1,50,390, 3 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5,500 તેમજ રૂ.5 લાખની અર્ટિકા કાર મળી રૂ.6,55,890ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
બન્ને આરોપીઓની પૂછપરછમા આરોપીઓએ કબુલ્યું હતું કે, મેફેડ્રોન ડ્રગ્સનો આ જથ્થો તેઓ રાજસ્થાનના સાંચોર નજીક રાણીવાડા ગામના સફેદ કલરની સ્કોર્પિયો કારનો ચાલક આપી ગયો હતો. સાથે જ ડ્રગ્સના આ કારોબારમાં પાટણ જિલ્લાના વારાહી ગામના આરોપી શરીફ નામના શખ્સનું નામ પણ કબુલ્યું હતું. હાલમાં ક્રાઇમબ્રાન્ચની ટીમે બન્ને આરોપીઓની ધરપકડ કરી નારકોટિક્સ એકટ અન્વયે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવી ડ્રગ્સના નેટવર્કને ભેદવા બન્ને આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરી છે.












