મોરબી: જળ વ્યવસ્થાપન તથા જળ જીવન મિશનની અસરકારક અમલવારીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ મોરબી જિલ્લાનું નામ રાજ્યકક્ષાએ ગૌરવપૂર્વક ઝળક્યું છે. ૭૭માં પ્રજાસત્તાક પર્વની રાજ્યવ્યાપી ઉજવણી નિમિત્તે ગાંધીનગર ખાતે યોજાયેલા વિશેષ સમારોહમાં મોરબી વાસ્મો (WASMO) કચેરીના યુનિટ મેનેજરને ‘બેસ્ટ યુનિટ મેનેજર’નો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
તા. ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ પાણી પુરવઠા વડી કચેરી, ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્ય સરકાર દ્વારા ઉત્કૃષ્ટ સેવાઓ બદલ મોરબી વાસ્મોના યુનિટ મેનેજરને ‘બેસ્ટ યુનિટ મેનેજર’નું પ્રમાણપત્ર તથા રૂ. ૭,૦૦૦ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ગૌરવવંત સિદ્ધિ બદલ મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (DWSC)ની બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી એન. એસ. ગઢવી દ્વારા વાસ્મો ટીમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાએ જળ વ્યવસ્થાપન ક્ષેત્રે જે સીમાચિહ્નરૂપ કાર્ય કર્યું છે તે રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પ્રેરણારૂપ છે.
DDOના માર્ગદર્શન હેઠળ યોજાયેલી બેઠકમાં જિલ્લાના જળ વ્યવસ્થાપન સંબંધિત મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં રિજૂવિનેશન કાર્યક્રમ અંતર્ગત વિવિધ કામગીરીને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. તેમજ ગ્રામ્ય સ્તરે પાણીવેરાની વસૂલાત, પ્રોત્સાહન યોજનાઓ અને પાણી પુરવઠા સંબંધિત ફરિયાદોના ત્વરિત નિવારણ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે યુનિટ મેનેજર તથા જિલ્લા પાણી પુરવઠા અધિકારી એમ. એસ. દામાએ આ સિદ્ધિ માટે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીના સતત માર્ગદર્શન અને સમગ્ર વાસ્મો ટીમની સંયુક્ત મહેનતને શ્રેય આપ્યો હતો.









