મોરબી તાલુકાના રંગપર ગામના ક્રિકેટ મેદાન નજીક ઝારખંડની વતની એક ત્રણ વર્ષની બાળકી ભૂલી પડી જતા અભયમ ટીમને મળેલા કોલ બાદ મહામહેનતે બાળકીના માતાપિતાને શોધી બાળકીનું પરિવાર સાથે મિલન કરાવાયું હતું.મહત્વનું છે કે, બાળકીના માતાપિતા નાઈટ ડ્યુટીમાં કામ કરીને આવ્યા હોય સુતા હતા ત્યારે બાળકી અન્ય બાળકો સાથે ભાગ લેવા બહાર નીકળી હોય ભૂલી પડી હતી.
મોરબી 181 અભયમ ટીમના જણાવ્યા મુજબ ગઈકાલે રંગપર ક્રિકેટ મેદાન પાસે ત્રણેક વર્ષની બાળકી એકલી બેઠી હોવાનો કોલ મળતા અભયમ ટીમના જાગૃતિ ભુવા, કોન્સ્ટેબલ દક્ષાબેન પરમાર તેમજ પાયલોટ અનિલભાઈ ઘટના સ્થળે પહોંચી બાળકી સાથે વાતચીત કરવા પ્રયાસ કર્યા હતા. જો કે, બાળકી કશું બોલતી ન હોવાથી બાળકીને લઈ આજુબાજુ કારખાનામાં બાળકીના માતાપિતાની શોધખોળ શરૂ કરવાની સાથે સિરામિક એસોસિએશનના ગ્રુપમાં મેસેજ નાખી કારખાનેદારોને પણ જાણ કરી હતી.
પાંચ કલાક સુધી પ્રયાસ બાદ અંતે બાળકીના માતાપિતા અંગે જાણકારી મળતા તેમને શોધી કાઢી બાળકીને માતાપિતા સુધી પહોંચાડી હતી.બાળકીના પિતાએ જણાવ્યું હતું કે, તેઓ છ મહિનાથી મોરબી મજૂરી કામે આવ્યા છે.ગઈકાલે નાઈટ ડ્યુટી કરી હોય પતિ પત્ની સુતા હતા ત્યારે બાળકી અન્ય બાળકો સાથે ભાગ લેવા નીકળ્યા બાદ ભૂલી પડી ગઈ હતી.ઘટનામાં 181 ટીમે બાળકીનું ધ્યાન રાખવા ટકોર કરી માતાપિતાને કબજો સોંપી આપ્યો હતો.











