મોરબી: પોકસો એક્ટ અંતર્ગત નોંધાયેલા એક કેસમાં ગુનો નિઃસંદેહ પુરવાર કરવામાં ફરીયાદ પક્ષ નિષ્ફળ જતા માનનીય પોકસો કોર્ટે આરોપી જયેશભાઈ રમેશભાઈ સોલંકીને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરવાનો હુકમ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ તા. 05-11-2023ના રોજ સવારે આશરે 07.00 કલાકે આરોપી દ્વારા ફરીયાદીની સગીર વયની દીકરી (ઉ.વ. 17 વર્ષ, જન્મ તારીખ 17-10-2006)નું લલચાવી-ફોસલાવી અપહરણ કરી પાટણ તથા ત્યારબાદ અમદાવાદ લઈ જઈ અવારનવાર શરીરસંબંધ બાંધ્યાનો આક્ષેપ સાથે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પોકસો સહિતનો ગુનો નોંધાયો હતો. આ અનુસંધાને મોરબી એ-ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
કેસની સુનાવણી દરમિયાન ફરીયાદપક્ષ તરફથી રજૂ કરાયેલા પુરાવાઓમાં બનાવ સમયે ભોગબનનાર ખરેખર સગીર વયની હતી તે બાબત નિઃસંદેહ પુરવાર થઈ શકી નહોતી. ઉપરાંત, ડોક્ટરશ્રીના પુરાવામાં ભોગબનનાર સાથે જોરજબરદસ્તી કે બળજબરીપૂર્વક કોઈ દુષ્કૃત્ય થયું હોવાનું કોઈ વિશ્વસનીય પુરાવો રજૂ થયો નહોતો. તપાસ અધિકારી સહિતના સાક્ષીઓની જુબાની બાદ બચાવ પક્ષના વકીલ યુવા એડવોકેટ જે.ડી. સોલંકી, પી.ડી. પરમાર દ્વારા એવી દલીલ કરવામાં આવી કે ફરીયાદપક્ષના નિવેદનો પરસ્પર વિરોધાભાસી છે અને ભોગબનનાર, તેના પરિવારજનો તેમજ અન્ય સ્વતંત્ર સાક્ષીઓએ ફરીયાદના આક્ષેપોને સમર્થન આપ્યું નથી.
બન્ને પક્ષકારોની વિસ્તૃત દલીલો અને કેસના સમગ્ર પુરાવાનો વિચારણા બાદ માનનીય કોર્ટે ઠરાવ્યું કે આરોપ સામેનો પોકસો એક્ટ હેઠળનો ગુનો સાતત્યસભર, વિશ્વસનીય અને આધારભૂત પુરાવાથી પુરવાર થતો નથી. જેના આધારે આરોપી જયેશભાઈ રમેશભાઈ સોલંકીને પોકસો સહિતના શિક્ષાપાત્ર ગુનામાંથી નિર્દોષ છોડવાનો હુકમ કરાયો.
આ કેસમાં બચાવ પક્ષ તરફેથી મોરબી જિલ્લાના યુવા એડવોકેટ શ્રી જે.ડી. સોલંકી, એડવોકેટ જયેશ પટેલ તથા પી.ડી. પરમાર દ્વારા દલીલો કરવામાં આવી હતી, જ્યારે તેમની સાથે એડવોકેટ મયુર ઊભડિયા, દીપક મકવાણા, નીલેશ ચાવડા, હસમુખ ચાવડા, આરતી અમૃતિયા, જીતેન્દ્ર વાઢેર, વીરલ છનિયારા અને જયકાંત મકવાણા પણ જોડાયેલા હતા.









