વૈશ્વિક યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે સીરામીકના અસ્તિત્વ સામે પડકારો ઉભા થયા હોય આ મુશ્કેલભરી સ્થિતિમાં રાજ્ય સરકારને યોગ્ય રીતે મદદરૂપ થવાની માંગ કરાઈ
મોરબી : વર્તમાન સમયમાં અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના જંગને લીધે ગલ્ફના દેશોમાંથી વિશ્વના ટોચે પહોંચેલા મોરબીના સીરામિક ઉધોગમાં વપરાતા પ્રોપેન ગેસની સપ્લાય અટકી ગઈ છે. આથી ગેસની અચતથી મોરબીના સીરામીક કારખાના એક પછી એક એમ ટપોટપ બંધ થવા લાગતા સીરામીક ઉધોગના અસ્તિવ સામે મુશ્કેલભરી સ્થિતિ ઉદભવી છે. આથી મોરબી સિરામિક એસો.ના આગેવાનોએ ટંકારાના ધારાસભ્યને સાથે રાખીને ગાંધીનગર ખાતે સચિવાલયમાં પહોંચ્યા હતા અને ત્યાં મુખ્યમંત્રી તથા ઊર્જામંત્રી સાથે તેઓએ રૂબરૂ મુલાકાત કરી હતી આ તકે મુખ્યમંત્રી દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગને હાલમાં પડી રહેલી મુશ્કેલીમાં સરકાર કઈ રીતે લાભ આપી શકે તે બાબતની વિસ્તૃત ચર્ચા કરી હતી.
ગાંધીનગર વિધાનસભા ભવન ખાતે ધારાસભ્ય દુલ્લભજીભાઇ દેથરિયા અને મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની મુલાકાત કરી હતી. જેમાં હાલમાં ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હિસાબે ઇમ્પોર્ટડ ગેસ અને એક્સપોર્ટમાં સિરામિક ઉદ્યોગમાં જે તકલીફ ઉભી થઇ છે તે બાબતમાં ઉંડાણ પુર્વક ચર્ચા કરી હતી. જેમાં સિરામિક ઉદ્યોગને કંઇ રીતે લાભ આપી શકાય તે બાબતે મુખ્યમંત્રીએ વિસ્તૃત ચર્ચા કરી હતી. હાલમાં યુધ્ધને લિધે સિરામિક ઉદ્યોગને પડતી તમામ મુશ્કેલીઓમાં રાજ્ય સરકાર હર હંમેશા સાથે રહેશે અને શક્ય તમામ મદદ કરવા મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી જે બદલ સિરામિક એસો.ના હોદ્દેદારોએ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. સાથો સાથ રાજ્ય સરકારના ઉર્જા મંત્રી કૌશિકભાઇ વેકરિયા અને પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલ, રાજ્ય સરકારના અગ્ર સચિવ એમ.કે. દાસ અને ગુજરાત ગેસના એમડી શ્રીમતી અવંતિકાસિંગને રુબરુ મળી ઉધોગના પ્રશ્નો અને ગેસના પુરવઠા બાબતે ચર્ચા કરી હતી જેમાં પણ રાજ્ય સરકાર ઉધોગ સાથે રહીને વિકટ પરિસ્થિતિમાં ઉધોગના વિકાસ માટે હર હમેશા તૈયાર રહેશે. અને સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રાણ પ્રશ્નો બાબતે રાજ્ય સરકાર અગ્રેસર રહી યુધ્ધની પરિસ્થિતિમાં ઉધોગની ઉન્નતિ અને વિકાસ માટે સાથ સહકાર આપશે જે બદલ રાજ્ય સરકારનો સિરામિક એસો.ના હોદ્દેદારો આભાર માને છે. આ તકે મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, હરેશભાઈ બોપલિયા, અજયભાઈ મારવાણીયા સંદીપભાઈ કૂંડારીયા, માજી પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, મુકેશભાઈ કુંડારીયા સુખદેવભાઈ પટેલ, કિશોરભાઈ ભાલોડીયા અને નિલેશભાઈ જેતપરિયા સહિતના ઉદ્યોગકારો હાજર રહ્યા હતા













