મહિલા સશક્તિકરણ અને નેતૃત્વને પ્રોત્સાહન આપતા મહિલા સંગઠનો માટે વુમન્સ લીડરશીપ કોન્કલેવથી સાચો રાહબર બનવાનો મુખ્ય ઉદ્દેશ્ય
મોરબી : નારી અબળા નહિ પણ ખુદ એક શક્તિ છે. આથી મહાન કાંતિકારીઓએ નારી શક્તિને અવરોધતી કુરિવાજોની બેડીઓમાંથી મુક્ત કરી અને બંધારણે નારીની ગરીમાં જાળવવાના આપેલા વિશેષ અધિકારીઓને કારણે આજે મોટા પ્રમાણમાં નારીઓ શિક્ષણ મેળવી અથાક પુરુષાર્થથી દેશ અને દુનિયામાં પુરુષો કરતા પણ ટોચના સ્થાને છે. ત્યારે હજુ પણ મહિલાઓને કેટલાક પૂર્વગ્રહો અને નારીનું ગરીમાં ન જળવાઈ એવી હીન માનસીકતાનો સામનો કરવો પડતો હોવાથી વધુને વધુ સ્ત્રી સશક્તિકરણની જરૂર હોવાથી મહિલા સશક્તિકરણ અને નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલાઓને વૈચારિક મનોમંથન માટે પૂરતું મંચ પૂરું પાડવા નૂતન પહેલ કરી છે. જેમાં આગામી 21મી માર્ચે સ્કાય મોલ ખાતે સાંજે ‘વુમન્સ લીડરશીપ કોન્કલેવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વુમન્સ લીડરશીપ કોન્કલેવથી મહિલા સશક્તિકરણ અને નેતૃત્વને પ્રોત્સાહન આપતા મહિલા સંગઠનો માટે સાચો રાહબર બનવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
મોરબીમાં પ્રથમ વખત મહિલાઓના સર્વાંગી વિકાસ માટે આયોજિત થનાર વુમન્સ લીડરશીપ કોન્કલેવથી અંગે વિસ્તૃત માહિતી આપતા યંગ ઇન્ડિયા ગ્રુપના મહિલા અગ્રણી ધરતીબેન બરાસરાએ જણાવ્યું હતું કે, હાલમાં મોરબીમાં અનેક મહિલા સંગઠનો માત્ર મહિલાઓના વિકાસ માટે જ નહીં સમાજના સર્વાંગી વિકાસ માટે ભારે પ્રવૃત્તિશીલ છે અને મહિલાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અનન્યના કામગીરી કરી રહ્યા છે. પરંતુ તે ઘણીવાર અમુક સ્પર્ધાઓ કે મર્યાદિત પ્રવૃત્તિઓ સુધી સીમિત રહે છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય તમામ મહિલા સંસ્થાઓને એક જ મંચ અને નેજા હેઠળ લાવીને તેમના વિચારોનું આદાન-પ્રદાન કરવાનો છે. જેનાથી મોરબીના વિકાસ માટે મહિલાઓ વધુ સારા કાર્યો કરી શકે અને એકબીજાના વિચારો જાણી શકે.
આ અંગે રંજનબેને વધુ માહિતી આપતા જણાવ્યું કે, આ કોન્કલેવમાં વિવિધ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા લીડરશીપ અને અન્ય વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે. મહિલાઓ પોતાના મુંઝવતા પ્રશ્નો પણ અહી રજૂ કરી શકશે અને તજજ્ઞો દ્વારા તેનું સ્થળ પર જ નિવારણ કરવામાં આવશે. આ કાર્યક્રમથી મહિલાઓમાં નેતૃત્વ અને સામાજિક જવાબદારીઓ પ્રત્યે વધુ જાગૃતતા આવશે.
વિશાખાબેને આ પ્લેટફોર્મના ફાયદાઓ વિશે જણાવતા કહ્યું કે, જ્યારે આટલી બધી મહિલાઓ એક સાથે મળશે ત્યારે વિચારોના આદાન-પ્રદાનથી તેમની અંદર રહેલી નેતૃત્વ ક્ષમતા (લીડરશીપ ક્વોલિટી) બહાર આવશે. ભવિષ્યની તકોને ઓળખીને તેઓ પોતાના જીવન, પરિવાર અને બાળકોને કઈ રીતે આગળ વધારી શકે તે માટેનું આ એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડવાનો આ પ્રયાસ છે.
આમ, યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત આ ‘વુમન્સ લીડરશીપ કોન્કલેવ’ મોરબીની મહિલાઓને નવી તકો, સક્ષમ નેતૃત્વ અને નવી દિશા પૂરી પાડવામાં એક મહત્વનું પગલું સાબિત થશે.
આ પોગ્રામની વધુ વિગત માટે સંપર્ક : ધરતીબેન – 9825941704











