મોરબીના ઘૂંટું ગામ પાસે આવેલા એક ટાઇલ્સના કારખાનામાં કામ દરમિયાન સીડી પરથી પડી જતાં ૩૦ વર્ષીય યુવાન શ્રમિકનું મોત નીપજ્યું છે. મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, હળવદના ડુંગરપુર ગામના રહેવાસી મગનભાઈ ભાવુભાઈ આકરીયા (ઉં.વ. ૩૦) મોરબીના ઘૂંટું ગામ પાસે આવેલ મારમોલા વિટ્રીફાઇડ એન્ડ ટાઇલ્સ કારખાનામાં મજૂરી કામ કરતા હતા. કામ દરમિયાન તેઓ અચાનક સીડી પરથી નીચે પટકાતા તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મોરબી તાલુકા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










