મોરબી મહાનગરપાલિકા કમિશનર દ્વારા તા. 11/05/2026ના રોજ શહેરના વોર્ડ નં. 7ની મુલાકાત લઈ સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન કમિશનરે સફાઈ કર્મચારીઓની હાજરીની પ્રત્યક્ષ ચકાસણી કરી હતી અને શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.
કમિશનરે આસ્વાદ પાન, સતારભાઈની પાણીની ટાંકી, ખુશ્બુ હોસ્પિટલ તેમજ દાઉદી પ્લોટ ખાતે આવેલા GVP પોઈન્ટની મુલાકાત લઈ સ્થળ પરની સફાઈ વ્યવસ્થાની તપાસ કરી હતી. આ ઉપરાંત નાગર પ્લોટ, સૌમ્યા સોસાયટી અને SBI બેન્ક નજીક ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નાગર પ્લોટ વિસ્તારમાં C&D ક્લીનર દ્વારા કરવામાં આવતી સફાઈ કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
ત્રિકોણબાગ વિસ્તારમાં આવેલા જાહેર શૌચાલયની મુલાકાત દરમિયાન સફાઈ જાળવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાસ્તા ગલી પાસેના નાળાની સફાઈ અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ આ વિસ્તારમાં નડતરરૂપ દબાણો દૂર કરવા માટે સંબંધિત વિભાગને આદેશ આપવામાં આવ્યા હતા. દાઉદી પ્લોટ વિસ્તારમાં ગટર સફાઈ કામગીરી વધુ અસરકારક બને તે માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
મહાનગરપાલિકા તંત્ર દ્વારા જાહેર માર્ગ પર ઊભા રહી વ્યવસાય કરતા ચા વેચનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને કાયજી પ્લોટ વિસ્તારમાં જાહેરમાં પાણીનો બગાડ કરતા અને કચરો સળગાવતા લોકો સામે સ્થળ પર જ દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથે જ સફાઈ અભિયાન અંતર્ગત હાથલારી મારફતે શેરીઓમાંથી કચરો ઉપાડવાની કામગીરી પણ કરવામાં આવી હતી.












