Wednesday, May 27, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવિરપર-લીલાપર રોડ પર ખાનગી બાંધકામથી વિવાદ : જાહેર રસ્તા પર શોપિંગ સેન્ટરના...

વિરપર-લીલાપર રોડ પર ખાનગી બાંધકામથી વિવાદ : જાહેર રસ્તા પર શોપિંગ સેન્ટરના કોલમ ઉભા થતા સવાલો..!

મોરબી તાલુકાના એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. વિરપર-લીલાપર વચ્ચેના જાહેર રોડ ઉપર ખાનગી બંધકામ શરૂ થયું છે. અહીં રોડ તોડીને બીમ કોલમ ભરાઈ રહ્યા છે. જો કે આ જગ્યા સરકારી છે કે ખાનગી માલિકીની તે મુદ્દે તંત્ર પણ હાલ અજાણ હોવાનું જાણવા મળી રહ્યું છે. પરિણામે આ મામલો ચકડોળે ચડ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વિરપર-લીલાપર રોડ ઉપર રોડને એક સાઈડ તોડી ત્યાં બીમ કોલમ ભરી બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. આ રોડ ખાનગી જમીન ઉપર ભૂલથી બનાવી નાંખવામાં આવ્યો છે કે સરકારી જગ્યા ઉપર પેશકદમી થઈ રહી છે તેના ઉપર સસ્પેન્સ સર્જાયું છે. સ્થાનિક નાગરિક કાનાભાઈ રબારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ રોડનું નિર્માણ કાર્ય 4 થી 6 મહિના પહેલા જ કરવામાં આવ્યું છે. હજુ આ રોડનું અડધું કામ બાકી છે ત્યાં જ અચાનક રોડની અંદર 5 ફૂટ સુધી શોપિંગ સેન્ટરના પાકા કૉલમ ઊભા કરી દેવામાં આવ્યા છે. આ ઘટનાએ તંત્રની કામગીરી અને રોડ નિર્માણ પ્રક્રિયા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. જ્યારે આ રોડ બનાવવામાં આવ્યો ત્યારે શું તંત્ર દ્વારા એ ધ્યાન નહોતું રખાયું કે આ જમીન સરકારી ખરાબો છે કે કોઈની ખાનગી માલિકીની? શું આ મામલે R&B વિભાગની ભૂલ છે કે પછી અન્ય કોઈની? જો આ જમીન ખરેખર કોઈની ખાનગી મિલકત હોય તો રોડ સાઈડમાં બનાવવો જોઈતો હતો. આ બાબતે હકીકત શું છે તે અંગે યોગ્ય તપાસ થવી જોઈએ તેવી માંગ ઊઠી છે.

આ સમગ્ર વિવાદ અંગે R&B પંચાયતના SO રવિ સરડવા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે આ રોડ એક ‘નોન-પ્લાન રોડ’ તરીકે મંજૂર થયેલો છે. નોન-પ્લાન રોડમાં કોઈ ચોક્કસ માલિકીની જગ્યા ફાળવાયેલી હોતી નથી, પરંતુ સામાન્ય રીતે ખેડૂતો અને જમીન માલિકોની સહમતિથી રોડ કાઢવામાં આવતો હોય છે. જ્યારે કોઈ જમીન માલિક વાંધો ઉઠાવે ત્યારે રોડની એલાઈનમેન્ટ સાઈડમાં લઈ લેવાની જોગવાઈ હોય છે. હાલના તબક્કે આ વિવાદિત જગ્યા અંગે સરકારી માપણી કરાવવાનો નિર્ણય લેવાયો છે.ઉપરી અધિકારી હાલ રજા પર છે, તેઓ પરત ફર્યા બાદ સત્તાવાર રીતે સરકારી માપણી કરવામાં આવશે અને ત્યારબાદ જ હકીકત સ્પષ્ટ કરી આગળનો નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments