મોરબી: મોરબી તાલુકા પોલીસની ટીમે આંદેરણા ગામની સામે પાઘેડા વિસ્તારમાં આવેલા ખરાબામાં દરોડો પાડીને એક સફેદ કલરની હ્યુન્ડાઇ વરના કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસે કાર અને દારૂ સહિત કુલ 3,96,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસને બાતમી મળી હતી કે આંદેરણા ગામની સામે પાઘેડા વિસ્તારના ખરાબામાં એક સફેદ કલરની હ્યુન્ડાઇ વરના કાર પડી છે, જેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવેલો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રેડ કરી હતી. તપાસ દરમિયાન કારમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની 180 ml ની પ્લાસ્ટિકની સીલપેક 960 બોટલ મળી આવી હતી. પોલીસે 96,800 રૂપિયાની કિંમતનો દારૂ અને 3,00,000 રૂપિયાની કિંમતની સફેદ વરના કાર (રજિસ્ટ્રેશન નંબર GJ-01-KP- 1882) મળીને કુલ 3,96,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ કાર્યવાહી દરમિયાન GJ-01-KP-1882 કારનો ચાલક હાજર ન હોવાથી પોલીસે તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અને આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કામગીરી મોરબી તાલુકા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જે. ડી. સરવૈયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી. એસ. સોંદરવા અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.











