મોરબી : મોરબી શહેરના ગેસ્ટહાઉસ રોડ પર ત્રણ દિવસ પૂર્વે એક્ટિવા મોટર સાયકલ પર પરત ઘરે જઈ રહેલા દંપતીની બાજુમાં આવી અજાણ્યા ઇસમે પરિણીતાના ગળામાંથી દોઢ તોલા સોનાના ચેઇનની ચીલઝડપ કરી નાસી જતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ચીલઝડપ કરનાર સમડી ઉઠાવગીરને ઝડપી લીધો હતો.
મોરબીના શનાળા રોડ પર સત્યમ પાન વાળી શેરીમાં રહેતા ફરિયાદી ભાવેશભાઈ વિનુભાઇ મહેતા ઉ.વ.51 નામના આધેડે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.4ના રોજ સાંજના સમયે તેઓ તેમના પત્ની સાથે બજારમાં ખરીદી કરી ઘેર પરત આવતા હતા ત્યારે ગેસ્ટહાઉસ રોડ પર ખાટકીવાસ નજીક એક એક્ટિવા ચાલકે ચીલઝડપ કરી તેમના પત્નીના ગળામાંથી દોઢ તોલા સોનાનો ચેઇન કિંમત રૂપિયા દોઢ લાખ લઈ નાસી ગયો હતો.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી સરફરાજ ઉર્ફે ફૈઝલ અબ્દુલભાઇ મંધરિયા રહે.ભુજ કેમ્પ એરિયા વાળાને ઝડપી લઈ ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
આ સફળકામગીરી શ્રી વાય.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ શ્રી જે.સી.ગોહિલ તથા પો.સબ.ઇન્સ શ્રી જે.વી.ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફ દ્રારા કરવામા આવેલ છે.











