Monday, June 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiલોહીના સંબંધો જ્યાં ટૂંકા પડ્યા, ત્યાં લાગણીનો સેતુ બંધાયો: મોરબીમાં યંગ ઇન્ડિયા...

લોહીના સંબંધો જ્યાં ટૂંકા પડ્યા, ત્યાં લાગણીનો સેતુ બંધાયો: મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા વૃદ્ધાશ્રમના વડીલોના સન્માન સાથે ફાધર્સ ડેની અનોખી વંદના”

મોરબી યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા વૃદ્ધાશ્રમના વડીલોને ફિલ્મ બતાવી તેમજ સ્વાસ્થ્ય કિટ આપી ‘ફાધર્સ ડે’ની પ્રેરણાદાયી ઉજવણી

મોરબી:મોરબીમાં દરેક પર્વ અને તહેવારની સમાજ ઉપયોગી તેમજ પ્રેરણાદાયી ઉજવણી કરવા માટે રોલ મોડેલ બનેલા ‘યંગ ઇન્ડિયા ગ્રુપ’ દ્વારા આજે પિતા પ્રત્યે આત્મીયતા અને આદરની લાગણી દર્શાવતા પર્વ ‘ફાધર્સ ડે’ની એક અનોખી અને હૃદયસ્પર્શી ઉજવણી કરવામાં આવી હતી. સંતાનોની અવહેલના અને ઉપેક્ષાનો ભોગ બનીને વૃદ્ધાશ્રમ આશરો લેવા મજબૂર બનેલા શહેરના વડીલ પિતાઓની બેરંગ જિંદગીમાં ખુશીના પળો લાવવા માટે યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ખાસ સ્નેહમિલન અને સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ફાધર્સ ડેના આ વિશેષ અવસરે યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા વૃદ્ધાશ્રમના તમામ વડીલોને મનોરંજન પૂરું પાડવા માટે એક સુંદર ફિલ્મ (સિનેમા) બતાવવામાં આવી હતી. ફિલ્મ જોઈને વડીલો ખૂબ જ આનંદિત થયા હતા અને ઉત્સાહમાં આવી ગયા હતા. ત્યારબાદ સંસ્થાના સભ્યો દ્વારા તમામ વડીલ પિતાઓને ભાવતા ભોજન કરાવી અત્યંત આત્મીયતાપૂર્વક જમાડવામાં આવ્યા હતા. આ સાથે જ વડીલોની દૈનિક જરૂરિયાત અને તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને તેમને ઉપયોગી સ્વાસ્થ્ય કિટ (હેલ્થ કિટ) સહિતની ભેટ સામગ્રી અર્પણ કરી સન્માનિત કરાયા હતા.
કાર્યક્રમ દરમિયાન યંગ ઇન્ડિયા ગ્રૂપના તમામ સભ્યોએ આ વડીલોને પોતાના જ પિતા સમાન ગણી તેમની સાથે મન મૂકીને વાતો કરી હતી, સુખ-દુઃખ વહેંચ્યા હતા અને તેમના જીવનના અનુભવો સાંભળ્યા હતા. ગ્રૂપના સભ્યોના આ વહાલ અને આદર સત્કારને કારણે વૃદ્ધાશ્રમનું વાતાવરણ ભાવુકતા અને પરમ આનંદથી ભરાઈ ગયું હતું. આ અનોખી ઉજવણીથી વડીલોના ચહેરા પર સ્મિત રેલાયું હતું અને તેમણે પોતાની એકલતા ભૂલીને જીવન જીવવા પ્રત્યે એક નવો અને હકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવ્યો હતો.
આ હૃદયસ્પર્શી પહેલ અંગે યંગ ઈન્ડિયા ગ્રૂપના સંસ્થાપક અને મેન્ટર ડૉ. દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, પિતા ભલે ક્યારેય પોતાના પ્રેમ કે લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરી શકે, પરંતુ પિતાના હૃદયમાં સંતાન પ્રત્યે સ્નેહનો અફાટ સમુદ્ર હિલોળા લેતો હોય છે. તેમનો પ્રેમ મૌન હોય છે, પણ મૌનમાં આખા બ્રહ્માંડ જેટલી ચિંતા અને સુરક્ષા છુપાયેલી હોય છે. આજની વ્યસ્ત જિંદગીમાં યુવા પેઢી અને વડીલો વચ્ચેનું અંતર ઘટવું અનિવાર્ય છે. આપણી સંસ્થાનો નાનકડો પ્રયાસ વડીલ પિતાઓને અહેસાસ કરાવવા માટે હતો કે તેઓ એકલા નથી, આખો સમાજ અને યુવાનો તેમની સાથે છે. આવા કાર્યોથી સમાજમાં વડીલો પ્રત્યે સન્માન અને સેવાભાવની સંસ્કૃતિ વધુ મજબૂત બનશે.”
યંગ ઇન્ડિયા ગ્રૂપની આ પ્રેરણાદાયી અને સંવેદનશીલ કામગીરીને મોરબીના પ્રબુદ્ધ નાગરિકો અને સામાજિક અગ્રણીઓ દ્વારા બિરદાવવામાં આવી રહી છે અને આ પ્રકારની ઉજવણી અન્ય સંસ્થાઓ માટે પણ એક આદર્શ ઉદાહરણ સાબિત થઈ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments