મોરબી ડેઈલી : મોરબી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ સમીર સારડા દ્વારા આપવામાં આવેલી સૂચના અનુસાર ટંકારા પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. જે.કે. રાણા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અગાઉ તારીખ 14/01/2026 ના રોજ ટંકારા તાલુકાના છતર GIDC સ્થિત આવેલા ગોડાઉનમાંથી કબજે કરવામાં આવેલા ઇંગ્લિશ દારૂના જંગી જથ્થાના ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસતો ફરતો મુખ્ય આરોપી રાજકોટ ખાતે હોવાની ચોક્કસ બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી રાજકોટના નવા થોરાળા, ન્યુ સર્વોદય સોસાયટી શેરી નંબર-05 ખાતે રહેતા નીતીનભાઈ વિનુભાઈ વાઘેલા (ઉંમર વર્ષ 33, ધંધો મજૂરી) નામના શખ્સને ઝડપી લીધો હતો. ટંકારા પોલીસે આરોપીની અટકાયત કરી તેના રિમાન્ડ મેળવવા સહિતની આગળની કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.











