Wednesday, August 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે 'સંસ્કૃત ગૌરવ યાત્રા' યોજાઈ:ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતના...

ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ યોજાઈ:ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિ

મોરબી ડેઈલી:ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ, ઓરપેટ કન્યા વિધાલય અને આર્ય સમાજ ટંકારાના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાની ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમ

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ટંકારા આર્ય સમાજના આચાર્ય રામદેવજી, સ્થાનિક પીએસઆઈ, મામલતદાર ગોર, મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ઓએસ બ્રિજેશભાઈ જલાલ, AEI નિધીબેન ગોસ્વામી, સંસ્કૃત તજજ્ઞ દેવજીભાઈ પડસુંબીયા, સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, કેમ્પસ ડાયરેક્ટર જીવાણી, ઓરપેટ કન્યા વિધાલયના આચાર્ય અસ્મિતાબેન ગામી તેમજ ટંકારા નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી

કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય અને ‘વંદે માતરમ્’ ગાન સાથે થઈ હતી. ત્યારબાદ વિધાર્થીનીઓએ સંસ્કૃત ગીતના તાલ પર સૂર્ય નમસ્કારની સુંદર પ્રસ્તુતિ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

4 આકર્ષક ટેબ્લો અને 250 વિદ્યાર્થીનીઓ સાથે ગૌરવ યાત્રાનું પ્રસ્થાન

સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, આર્ય સમાજ ટંકારા ગુરુકુળના આચાર્ય રામદેવજી તેમજ અન્ય મહાનુભાવો દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ યાત્રામાં 250 જેટલી વિદ્યાર્થીનીઓએ વિવિધ પૌરાણિક અને ઐતિહાસિક વેશભૂષા ધારણ કરી, સંસ્કૃત ગાન અને શ્લોકોચ્ચાર સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

લોકોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી 4 વિશેષ ટેબ્લો તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં સંસ્કૃત કક્ષ, ગુરુકુળ પરંપરા, રામાયણ અને ચારેય વેદોની ઝાંખી રજૂ કરવામાં આવી હતી.

મહર્ષિ દયાનંદ સરસ્વતી ચોક થઈને યાત્રાનું સમાપન

આ સંસ્કૃત ગૌરવ યાત્રા ઓરપેટ કન્યા વિધાલયથી શરૂ થઈ, નગરમાં પરિભ્રમણ કરી મહર્ષિ દયાનંદ સરસ્વતી ચોક થઈને પુનઃ ઓરપેટ કન્યા વિધાલય ખાતે પહોંચી સંપન્ન થઈ હતી. કાર્યક્રમના સફળ આયોજનમાં શાળાના શિક્ષિકા શોભનાબેન જંજવાડીયા, આચાર્ય, શિક્ષક સ્ટાફ અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર આયોજન દરમિયાન ટંકારા પોલીસ તંત્રનો પણ સારો સહયોગ સાંપડ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments