સંતાનોથી તરછોડાયેલા વૃદ્ધાશ્રમના વડીલો પણ ગણેશ મહોત્સવમાં તમામ દુઃખ-દર્દ ભૂલી ગોરીનંદનની ભક્તિમાં એકાકાર થયા
મોરબી ડેઈલી : મોરબીના નવા હાઉસિંગ બોર્ડ ખાતે ચાલી રહેલા ભવ્ય ગણેશ મહોત્સવમાં ગઈકાલે વૃદ્ધાશ્રમના વડીલોને ખાસ આમંત્રણ આપી ગણેશજીના દર્શન કરાવવામાં આવ્યા હતા. આ ગણેશ મહોત્સવમાં પહોંચેલા વૃદ્ધાશ્રમના વડીલોની હાજરીમાં મહાઆરતી દરમિયાન ભક્તિ અને આલોકીક વાતાવરણ સર્જાયું હતું. દુંદાળા દેવની મહાઆરતીમાં વૃદ્ધાશ્રમના વડીલો સહિત મોટી સંખ્યામાં રહીશોએ શ્રદ્ધાભેર લાભ લઇ ગણેશજીની ભક્તિમાં તલ્લીન થઈ ગયા હતા.
શહેરના હાર્દ સમાન શનાળા રોડ માર્કેટ યાર્ડ સામે આવેલ નવા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પ્રતિ વર્ષની જેમ સમગ્ર રહીશો દ્વારા ભક્તિભાવથી મુખ્ય ચોકમાં વિધ્નહર્તાનું સ્થાપન કરી સવાર સાંજ મહાઆરતી તેમજ વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યકમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગતરાત્રે આ ગણેશ મહોત્સવમાં મહાઆરતી સહિતના ગણપતિ દાદાની ભક્તિનો લાભ આપવા રહીશો દ્વારા વૃદ્ધાશ્રમના વડીલ માવતરોને ભાવભીનું નિમંત્રણ આપવામાં આવ્યું હતું. આથી આ હાઉસિંગ બોર્ડના ગણેશ મહોત્સવમાં પહોંચેલા વૃદ્ધાશ્રમના વડીલો પણ જીવનના દુઃખ અને એકલતાને થોડા સમય માટે ભૂલી જઈ ગોરીનંદન ગણેશજીની ભક્તિમાં એકાકાર બન્યા હતા. મહાઆરતી દરમિયાન નવા હાઉસિંગ બોર્ડના રહીશોએ પણ પોતાના માવતર સમાન આ વડીલોની ભાવવંદના કરી હતી અને ભગવાન ગણેશ સમક્ષ તેમના સંતાનોને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરી હતી.
ભગવાન ગણેશજીએ માતાપિતા શિવ પાર્વતીની પ્રદીક્ષણા કરી અંતઃકરણપૂર્વક પૂજા કરી હોવાથી ગણેશજી દરેક શુભ પ્રસંગોમાં પૂજાતા હોય એની સામે આજના સમયમાં ઘણા એવા કિસ્સા પણ જોવા મળે છે કે જે માવતર સંતાનો માટે આખી જિંદગી ખૂન-પસીનો વહાવીને તેમનું લાલન-પાલન કરે, ભણાવી-ગણાવીને સમાજમાં મોભાદાર સ્થાન અપાવે, એ જ માવતરને જીવનના અંતિમ પડાવમાં એકલતા અને આશ્રયની જરૂર પડે ત્યારે સંતાનોનો સહારો મળતો નથી. કેટલાક કિસ્સામાં વડીલોને વૃદ્ધાશ્રમનો આશરો લેવો પડે છે.
જે સંતાનને હાથ પકડીને ચાલતા શીખવ્યું, મુશ્કેલીમાં પડખે ઊભા રહી જીવનના દરેક તબક્કે સંભાળ્યું, એ જ સંતાનથી અંતે અંતર મળવું માવતર માટે માત્ર એકલતા નહીં પરંતુ લાગણીની મોટી ખોટ બની રહે છે. વૃદ્ધાશ્રમમાં રહેતા આવા વડીલોની મનોદશા શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે.
ગઈકાલે રાત્રે ગણેશ મહોત્સવમાં આ વડીલોને સાથે બેસાડી ગણેશજીની મહાઆરતીમાં લાભ આપવામાં આવ્યો ત્યારે એક તરફ ભક્તિનો માહોલ હતો, તો બીજી તરફ માવતર પ્રત્યેની જવાબદારીનો સામાજિક સંદેશ પણ જોવા મળ્યો હતો.
માતા-પિતાને ભગવાનની જેમ પૂજવાની વાત માત્ર તહેવારો પૂરતી ન રહે; જીવનના અંતિમ પડાવમાં તેમને સમય, સન્માન અને સાથ આપવો એ જ સાચી માવતર સેવા છે. જે માવતરે આપણું બાળપણ સાચવ્યું હોય, તેમના વૃદ્ધાવસ્થાના દિવસો સાચવવાની જવાબદારી પણ સંતાનોની જ છે.











