મોરબી ડેઈલી : મોરબીમાં ચાલી રહેલા પવિત્ર નવરાત્રી મહોત્સવ દરમિયાન ગઈકાલે રાત્રે એક અત્યંત ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી હતી. એક સ્કોર્પિયો કારના ચાલકે પૂરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક કાર ચલાવીને ગરબીના આયોજન સ્થળે જ્યાં બાળાઓ અને માતાઓ બેઠી હતી તે વિસ્તાર તરફ કાર ઘુસાડી દીધી હતી. આ બેફામ સ્કોર્પિયો ચાલકે ગરબી સ્થળેથી પૂરપાટ ઝડપે નીકળીને ત્યાં પડેલી ખુરશીઓ પણ હવામાં ઉડાડી દીધી હતી. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ આવી બેદરકારીભરી હરકતથી નિર્દોષ લોકો અને બાળાઓના જીવ જોખમમાં મુકાઈ શક્યા હોત.
આ ઘટનાની જાણ થતાં જ વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળના કાર્યકર્તાઓને રાત્રે જ ફોન આવતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યાં જઈને તેઓએ ગરબીના આયોજકો સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ સીધા જ ગ્રીન ચોક પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને પોલીસ અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. સંગઠને માંગ કરી છે કે સીસીટીવી ફૂટેજ તથા અન્ય પુરાવાઓ ચકાસીને આ બેફામ કાર ચલાવનાર શખ્સ સામે કાયદાકીય રાહે કડકમાં કડક કાર્યવાહી અને સજા કરવામાં આવે.
વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે મોરબીમાં ક્યાંય પણ આવી ઘટના બનશે તો આવા લુખ્ખા તત્વો કે વિઘ્નસંતોષીઓને સંગઠન દ્વારા જરા પણ સાંખી લેવામાં આવશે નહીં. નવરાત્રી એ માતાજીની શક્તિ ઉપાસનાનો પવિત્ર તહેવાર છે, ત્યારે કોઈ વ્યક્તિ નશાની હાલતમાં કે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને લોકોની સુરક્ષા જોખમમાં મૂકે તે બિલકુલ ચલાવી લેવાશે નહીં. મોરબીના તમામ ગરબી આયોજકો સાથે સંગઠન ખભે ખભો મિલાવીને ઊભું છે અને પોલીસ પ્રશાસન પણ પૂરતો સાથ આપી રહ્યું છે. જો ક્યાંય પણ આવી અનિચ્છનીય ઘટના કે સુરક્ષાનો પ્રશ્ન ઊભો થાય તો તાત્કાલિક પોલીસ પ્રશાસન અથવા સંગઠનને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.










