મચ્છુ 2 માંથી પાણી છોડતા મચ્છુ 3 ડેમના પણ 2 દરવાજા ખોલાયા
મોરબી : મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમ રાત્રીના જ ઓવરફ્લો થઈ ગયો હતો. આજે મંગળવારે વેહલી સવારે મચ્છુ 2 ડેમના 2 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા. જ્યારે મચ્છુ 2 માંથી પાણી છોડવાના કારણે આગવથી ઓવરફ્લો થઈ ગયેલા મચ્છુ 3 ડેમના પણ 2 દરવાજા ખોલવાની ફરજ પડી હતી.
મચ્છુ 2 ડેમ સારા વરસાદના પગલે 48 કલાકમાં જ સંપૂર્ણ ભરાઈ જતા લોકો અને તંત્રમાં રાહતની સાથે આનંદની લાગણી વ્યાપી ગઈ છે. મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થવાની સાથે હજુ પણ પાણીની આવક શરૂ રહેતા મચ્છુ 2 ડેમના 2 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. આ સાથે તંત્રે મચ્છુ નદીની આજુબાજુના ગામોને એલર્ટ કરી નદીમાં અવરજવર ન કરવા જણાવ્યું છે. જ્યારે મચ્છુ 2 ડેમની સાથે જુના સાદુળકા ગામ પાસે આવેલો મચ્છુ-3 ડેમમાં પણ પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઊભી થતા મચ્છુ 3 ડેમના 2 દરવાજા અઢી ફૂટ ખોલવામાં આવ્યા છે અને હાલ 4470 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.











