ટંકારા : ટંકારા તાલુકા વિસ્તારના જુદા જુદા ગામની સીમમાં જીઇબીના થાંભલા પરથી એલ્યુમિનિયમના ઇલેક્ટ્રિક વાયરોની ચોરી કરતી ગેંગના એક આરોપીને પકડી પાડી ટંકારા પોલીસે વણશોધાયેલ ચોરીના બે ગુનાઓ શોધી કાઢ્યા છે.
ગઇ તા. ૨૭/૦૨/૨૦૨૬ ના રોજ સાવડી ગામની સીમમાં અરણેશ્વર ફીડરના ૧૬ પોલ પરથી ૧૮૦૦ મીટર એલ્યુમિનિયમનો વાયર ચોરાયો હતો, જ્યારે અન્ય બનાવમાં મિતાણા, હીરાપર અને સરાયા ગામની સીમ વિસ્તારમાંથી ૭૨૪૦ મીટર વીજવાયરની ચોરી થતાં બે અલગ અલગ ગુના નોંધાયા હતા. આ વણશોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલવા ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. છાસીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે ટેકનિકલ માધ્યમ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી અને ભંગારના ડેલાઓ ચેક કરવાની કામગીરી શરૂ કરી હતી.
તપાસ દરમિયાન છતર-વાછકપર રોડ ઉપર નાઇટ પેટ્રોલિંગમાં રહેલી પોલીસ ટીમને શંકાસ્પદ હાલતમાં બોલેરો મેક્સી વાહન (GJ-03-BW-3157) મળી આવ્યું હતું. વાહનની તલાશી લેતા તેમાંથી એલ્યુમિનિયમના વાયરના ગૂંચળા મળી આવ્યા હતા, જેના બિલ ડ્રાઇવર પાસે ન હતા. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા તેણે સાવડી, મિતાણા, હીરાપર અને સરાયા ગામની સીમમાંથી વાયર ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આરોપીએ વાયર ભઠ્ઠીમાં સળગાવી તેના ઢાળિયા બનાવી છતર-રાજકોટ હાઇવે પર આવેલા ભંગારના ડેલામાં સંતાડ્યા હોવાની કબૂલાત કરતા પોલીસે ત્યાંથી મુદ્દામાલ રિકવર કર્યો હતો.
એક આરોપી ઝડપાયો
આ કાર્યવાહીમાં પોલીસે રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના વતની કિશન મોહનલાલ ગુર્જર (ઉ.વ. ૨૬) ની ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓ કિશન આશારામ ગુર્જર (રહે. રાજસ્થાન), કૈલાશસીંગ ઉર્ફે જીવરાજસીંગ રાવત (રહે. હાલ ટંકારા, મૂળ રાજસ્થાન) અને શ્રવણસિંહ (રહે. રાજસ્થાન) ને પકડવાના બાકી છે.
આરોપી પાસેથી ઝડપાયેલ મુદ્દામાલ
પોલીસે આરોપી પાસેથી ૪૬૫ કિલો એલ્યુમિનિયમનો વાયર (કિં.રૂ. ૧,૯૬,૦૦૦), ૯૨૫ કિલો એલ્યુમિનિયમના ઢાળીયા તથા વાયર (કિં.રૂ. ૩,૨૩,૭૫૦), એક મોબાઇલ ફોન (કિં.રૂ. ૧૦,૦૦૦) અને બોલેરો મેક્સી વાહન (કિં.રૂ. ૪,૦૦,૦૦૦) મળી કુલ રૂપિયા ૯,૨૯,૭૫૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.











