મોરબી જિલ્લામાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં ભૂલા પડી ગયેલા એક વયોવૃદ્ધ મહિલાનું તેમના પરિવાર સાથે સફળતાપૂર્વક મિલન કરાવ્યું હતું. એક જાગૃત નાગરિક દ્વારા 181 અભય મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જાણ કરવામાં આવી હતી કે એક અજાણી વૃદ્ધ મહિલા લાંબા સમયથી એકલા ભટકી રહ્યા છે અને પોતાનું ઘર ભૂલી ગયા હોય તેમ જણાઈ રહ્યું છે.
માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સેલર પટેલ સેજલબેન, મહિલા કોન્સ્ટેબલ ખ્યાતીબેન તેમજ પાયલોટ રબારી વીરમભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થળ પર હાજર લોકોએ ટીમને જણાવ્યું હતું કે વૃદ્ધ મહિલા ઘણા સમયથી આટાફેરા કરતા જોવા મળતા હતા અને તેઓ પોતાનું સરનામું અથવા પરિવાર વિશે સ્પષ્ટ માહિતી આપી શકતા ન હતા. ત્યારબાદ 181 ટીમ દ્વારા વૃદ્ધ મહિલાને આશ્વાસન આપી સંવેદનશીલતાપૂર્વક કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. મહિલાની વધુ ઉંમરને કારણે તેઓ સ્પષ્ટ માહિતી આપી શકતા ન હોવા છતાં ટીમે સતત પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. અંતે વિવિધ માહિતીના આધારે પરિવારનો સંપર્ક સાધવામાં સફળતા મળી હતી અને મહિલાને સુરક્ષિત રીતે તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા.
પરિવારજનોએ કાઉન્સેલિંગ દરમિયાન જણાવ્યું હતું કે વૃદ્ધ મહિલાની ઉંમર વધુ હોવાના કારણે તેઓ વારંવાર ભૂલી જતા હોય છે અને અચાનક ઘરેથી નીકળી ગયા હતા. પરિવારજનો સવારથી તેમની શોધખોળ કરી રહ્યા હતા પરંતુ કોઈ માહિતી મળી રહી ન હતી, જેના કારણે તેઓ ભારે ચિંતિત હતા. 181 અભયમ ટીમ દ્વારા પરિવારને વૃદ્ધ મહિલાની યોગ્ય સંભાળ અને ખાસ કાળજી રાખવા માટે સમજ આપવામાં આવી હતી. અંતે પરિવારજનોએ વૃદ્ધ મહિલાને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવા બદલ 181 અભયમ ટીમનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.











