મોરબી સિરામિક મિનરલ્સ એસોસિએશનના સભ્યો દ્વારા આજે કલેક્ટરને મળીને એક મહત્વની રજૂઆત કરવામાં આવી છે. જેમાં કારખાનેદારોને પડતી મુશ્કેલીઓ અંગે યોગ્ય નિર્ણય લેવા માટે માંગ કરવામાં આવી છે. કલેક્ટર દ્વારા પણ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, ગઈકાલે કલેક્ટર દ્વારા મોરબીની રવિરાજ ચોકડી પાસે આવેલા મિનરલ્સના કારખાનાની અંદર જઈને ત્યાં સ્ટોક અને રોયલ્ટીની વિગતો માંગવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન સીઝ કરવાની વાત સામે આવતા જ મોરબી સિરામિક મિનરલ્સ એસોસિએશનના તમામ સભ્યોએ એક થઈને ગઈકાલે સાંજે જ પોતાના કારખાના બંધ (શટડાઉન) કરી દીધા હતા.
આ સમગ્ર મામલે આજે એસોસિએશનના સભ્યો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને કલેક્ટરને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. ખાસ કરીને રાજસ્થાનથી જે રો મટીરીયલ આવે છે, તેમાં રોયલ્ટી પાસ નહીં પરંતુ માત્ર ઈ-વે બિલ અને જીએસટીના આધારે મટીરીયલ મળતું હોય છે. જેથી કારખાનેદારોને રોયલ્ટી પાસ મળતા નથી. આ જટિલ બાબતને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરવા માટે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
મોરબી સિરામિક મિનરલ્સ એસોસિએશનના પ્રમુખ લલિતભાઈ કામરિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “અમે જે રો મટીરીયલ મંગાવીએ છીએ તે ટોટલી રાજસ્થાનથી આવે છે. આમાં અમારે લોકલ માઈનિંગ સાથે કોઈ લેવાદેવા નથી. છતાં ગઈકાલે એજી માઈક્રોનમાં ચેકિંગ દરમિયાન સ્ટોક રજિસ્ટર મુદ્દે જે માથાકૂટ થઈ અને સીઝ કરવાની વાત આવી તેના કારણે સિરામિક એસોસિએશન અને મિનરલ્સ એસોસિએશન બંને ભેગા મળીને આજે રજૂઆત કરવા આવ્યા છીએ. અત્યારે ઉદ્યોગ ભારે મંદીમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે સરકારે ઉદ્યોગકારોને હેરાનગતિ ન કરવી જોઈએ. કલેક્ટરે અમારી વાત સાંભળી છે અને સ્ટોક લાયસન્સ લેવા અંગે સૂચન કરીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.”
આ બેઠક બાદ કલેક્ટર દ્વારા પણ ઉદ્યોગકારોને સ્ટોક રજિસ્ટર યોગ્ય રીતે નિભાવવા માટેની સૂચના આપવામાં આવી છે અને વહીવટી પ્રક્રિયામાં પૂરતો સહયોગ આપવા જણાવ્યું છે.











