મજૂરોને ચૂકવવા અને ભાઈની સારવાર માટે લીધેલા નાણાંનું 120 ટકા સુધીનું વ્યાજ વસૂલ્યું, પોલીસે બાઇક અને સ્વિફ્ટ કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો
વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે વગર લાયસન્સે વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી કરતા શખ્સો સામે લાલ આંખ કરી છે. વાંકાનેર તાલુકા પોલીસે લેબર કોન્ટ્રાક્ટર પાસેથી અધધ વ્યાજ વસૂલવા અને બળજબરીથી રકમ તથા વાહનો પડાવી લેવા મામલે મની લેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતા ફરિયાદીને મજૂરોને નાણાં ચૂકવવા તેમજ પોતાના ભાઈની સારવાર માટે પૈસાની જરૂર પડી હતી. આથી તેમણે આરોપી અજય રમેશ અબાણીયા પાસેથી રૂપિયા 3,00,000 ની રકમ 30 ટકા, 35 ટકા અને 120 ટકાના ઊંચા વ્યાજ દરે લીધી હતી. જ્યારે આરોપી બીજલ ઉર્ફે ભોજા બેચર ગીંગોરા પાસેથી રૂપિયા 1,50,000 માસિક 35 ટકાના વ્યાજે લીધા હતા. ત્રીજા આરોપી હિતેશ મગન કકાસણીયા પાસેથી ફરિયાદીએ પોતાની પત્નીના બેંકમાં ગીરવે પડેલા 3.5 તોલા સોનાના દાગીના છોડાવવા માટે રૂપિયા 3,56,000 વ્યાજે લીધા હતા.
ફરિયાદીએ તમામ આરોપીઓને વ્યાજ સહિત મૂળ રકમ ચૂકવી આપી હોવા છતાં વ્યાજખોરોનો ત્રાસ ચાલુ રહ્યો હતો. આરોપી અજય અબાણીયાએ ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક વધુ રૂપિયા 5,00,000 કઢાવી લીધા હતા. આરોપી બીજલે બળજબરીથી ફરિયાદીનું મોટરસાયકલ (GJ 36 BC 0783) પડાવી લીધું હતું અને આરોપી હિતેશે ફરિયાદીની પત્નીના 3.5 તોલા સોનાના દાગીના પડાવી લીધા હતા. આ મામલે ભોગ બનનારે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બીએનએસ 2023 ની કલમ 351(1), 351(3), 308(5) અને નાણાં ધીરધાર અધિનિયમ 2021 ની કલમ 40, 42 મુજબ ગુનો નોંધાવ્યો હતો
ફરિયાદ દાખલ થતાં જ પીઆઈ બી.વી. પટેલ, પીએસઆઈ ડી.વી. ખાંભલા અને તેમની ટીમે ગણતરીની કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં રાતાવીરડાના રહેવાસી અજય રમેશ અબાણીયા (ઉં.વ. 23), લાકડધારના રહેવાસી બીજલ ઉર્ફે ભોજા બેચર ગીંગોરા (ઉં.વ. 38) અને મોરબીના રવાપર રોડ પર રહેતા હિતેશ મગન કકાસણીયા (ઉં.વ. 39) નો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી રૂપિયા 98,000 ની કિંમતનું મોટરસાયકલ અને રૂપિયા 3,00,000 ની કિંમતની સ્વિફ્ટ કાર (GJ 36 AJ 6096) મળીને કુલ મુદ્દામાલ રિકવર કર્યો છે. હાલ પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવીને પડાવી લીધેલા સોનાના દાગીના કબજે કરવા વધુ તપાસ હાથ ધરી છે.











