“કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો” નું સૂત્ર આપી પોલીસ ઇન્સ્પેક્ટરે ગુનાખોરી છોડી સામાન્ય નાગરિકની જેમ જીવવા આપી પ્રેરણા
મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને અસામાજિક તત્વો પર લગામ કસવા માટે પોલીસ દ્વારા એક વિશેષ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા મળેલી સૂચના અન્વયે પોલીસે ગુનેગારોને કાયદાનું પાલન કરવા સારૂ કડક સૂચન કર્યું છે.
કચ્છ બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલની સૂચના અને મોરબી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી છે. જેના અનુસંધાને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી.સરવૈયા દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને અવારનવાર શરીર સંબંધી, મિલકત સંબંધી તેમજ (દારૂબંધી) ની પ્રવૃત્તિઓમાં સંકળાયેલા અસામાજિક તત્વોને પોલીસે સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા.
પોલીસ સ્ટેશને હાજર રાખવામાં આવેલા આ તમામ તત્વો વિરુદ્ધ ભૂતકાળમાં નોંધાયેલા ગુન્હાઓની માહિતીનો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી.સરવૈયાએ આ તત્વોને “કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો” તેવું સ્પષ્ટ સૂત્ર આપીને ગુનાખોરીનો માર્ગ છોડી, આમ નાગરિકોની જેમ સભાનતા પૂર્વક જીવન જીવવા માટે પ્રેરણા અને કડક તાકીદ કરી હતી.











