મોરબી : તા. 15 જૂનના રોજ મોરબીના સામાકાંઠે આવેલા ત્રાજપર ખારી વિસ્તારમાં વોર્ડ નં. 4 ના કોર્પોરેટર પૂનમબેન જીતેનભાઈ અગેચાણીયા દ્વારા વિવિધ સરકારી યોજનાઓ માટે એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના જરૂરિયાતમંદ, નિરાધાર વૃદ્ધો અને વિધવા બહેનોને ઘરઆંગણે જ સરકારી સહાયનો લાભ મળી રહે તે હતો.
આ કેમ્પમાં મુખ્યત્વે વિધવા સહાય યોજના, વૃદ્ધ પેન્શન યોજના, વહાલી દીકરી યોજના અને વિકલાંગ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ કેમ્પમાં મહિલાઓની ભાગીદારી ખૂબ જ નોંધપાત્ર રહી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લાભાર્થીઓમાંથી ઘણી મહિલાઓ અને વૃદ્ધોના જરૂરી સરકારી ફોર્મ સ્થળ પર જ ભરીને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી, જેથી તેમને વહેલી તકે પેન્શન અને સહાય મળવાની શરૂઆત થઈ શકે.
આ તકે વિસ્તારના અગ્રણીઓ અને આદરણીય નાગરિકો સાથે જિલ્લા કોર્ડિનેટર મયુરભાઈ સોલંકી, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડૉ. ભૂમિબેન જીતેન્દ્રકુમાર માકડિયા, જેન્ડર સ્પેશિયાલિસ્ટ અમિતભાઈ પઢારીયા, અશ્વિનીબેન પાટડિયા, વિવેકભાઈ ગોલતર, છાયાબેન દલસાણીયા (વકીલ) તથા મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોએ સરકારી યોજનાઓની માહિતી આપવાની સાથે જીવનમાં શિક્ષણનું મહત્વ અને વ્યસન મુક્તિ અંગે પ્રવચન આપ્યા હતા. આગેવાનોએ જણાવ્યું હતું કે સચોટ માહિતીના અભાવે ઘણા લોકો આ લાભોથી વંચિત રહી જતા હોય છે, ત્યારે આવા કેમ્પના માધ્યમથી છેવાડાના માનવી સુધી સહાય પહોંચાડવાનો આ પ્રયાસ ઉત્તમ છે. આ કેમ્પને સફળ બનાવવા માટે સ્થાનિક યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. કેમ્પના અંતે સરકારી યોજનાઓનો લાભ લેનાર તમામ ભાઈ-બહેનોએ આયોજકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.











