મોરબી ફાયર બ્રિગેડની 4 ટીમો ઘટનાસ્થળે, આગને કાબૂમાં લેવા રાજકોટ અને વાંકાનેરથી વધુ ત્રણ ફાયર ટિમ બોલાવાય
મોરબી : મોરબી નજીક રફાળેશ્વર GIDCમાં આવેલ મેજિક સિરામિકમાં આજે અચાનક જ ભયંકર આગ ભભૂકી ઉઠી છે. પ્રાથમિક માહિતી મુજબ આ કારખાનામાં લાગેલી આગ ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે, જેના કારણે ફાયર વિભાગ દ્વારા આ ઘટનાને ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો છે.
આગની જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું. હાલમાં મોરબી ફાયર વિભાગની 4 ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવી રહી છે. આગનું સ્વરૂપ એટલું મોટું છે કે સ્થાનિક ટીમો ઉપરાંત અન્ય શહેરોમાંથી પણ મદદ મંગાવવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, આગની ગંભીરતાને જોતા મોરબીની 4 ટીમો ઉપરાંત, રાજકોટથી 2 ફાયરની ટીમો અને વાંકાનેરથી 1 ટીમ પણ રફાળેશ્વર જવા રવાના થઈ ચૂકી છે. હાલમાં કારખાનામાં આગ ઓલવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.











