મોરબી નજીકના વિરપરડા ગામ પાસે એક કૂવામાં છેલ્લા 5 દિવસથી પાણી હલવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં લોકોમાં ભૂકંપ કે અન્ય કોઈ કુદરતી હોનારતનો ભય ફેલાયો હતો. જોકે, આ અંગે જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેરે ઘટનાસ્થળની મુલાકાત લઈ સ્પષ્ટતા કરી છે કે આ કોઈ ભૂકંપની કે સિસ્મિક એક્ટિવિટી નથી.
તેઓએ ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સાથે પરામર્શ કર્યા બાદ જણાવ્યું હતું કે, ઉપરવાસમાં ભારે વરસાદ થવાને કારણે ભૂગર્ભ જળ રિચાર્જ થઈ રહ્યું છે. જ્યારે પાણી જમીનમાં ઉતરે છે ત્યારે ખડકોના સ્તરો વચ્ચે રહેલી જગ્યા (પોર સ્પેસ) માં રહેલી હવા દબાણપૂર્વક બહાર આવે છે. હવા બહાર આવવાની આ પ્રક્રિયા અને વધુ પડતા પવનની ગતિના કારણે કૂવાનું પાણી હલી રહ્યું છે. જે કૂવામાં પથ્થરમાંથી હવા રિલીઝ થતી હોય ત્યાં આવું થવું તદ્દન સામાન્ય છે. અન્ય કોઈ કારણ જણાતું ન હોવાથી અન્ય કોઈ ટીમ દ્વારા તપાસની જરૂરિયાત નથી અને લોકોએ અફવાથી ડરવાની જરૂર નથી.
કૂવાના માલિકના ભાઈ અને સ્થાનિક ગ્રામજનની પ્રતિક્રિયા
આ અંગે કૂવાના માલિક પ્રાણજીવનભાઈ સાદરિયાના ભાઈ ગણેશભાઈ સાદરિયાએ જણાવ્યું હતું કે, આ ઘટના રવિવારથી શરૂ થઈ છે. આ કૂવો 2 મહિના પહેલા ઉનાળામાં બનાવવામાં આવ્યો હતો અને તેની ઊંડાઈ આશરે 20 ફૂટ છે. ખોદકામ વખતે સામાન્ય પાણી નીકળ્યું હતું. ગામમાં અન્ય 2 થી 3 કૂવાઓ છે, પરંતુ માત્ર આ એક જ કૂવામાં આવું જોવા મળ્યું છે.
અધિકારીઓએ તપાસ કરીને સમજાવ્યું છે કે, આ પવન અને જમીનની અંદરથી આવતા પાણીના દબાણને કારણે છે. લોકોને ડરવાની કોઈ જરૂર નથી અને આ કોઈ ભૂકંપ નથી અને ડરવા જેવું કંઈ ન હોવાની અપીલ કરવામાં આવી છે.










