મોરબીના કુબેરનગરમાં ત્રિલોકધામ સોસાયટીમાં રહેતા પરિણીતાને પ્રથમ સંતાનમાં દીકરીનો જન્મ થવાની સાથે પરિણીતાનો એચઆઈવી રિપોર્ટ પોઝિટિવ આવતા પતિ સહિતના સાસરિયાઓએ પરિણીતાને માવતર મોકલી દઈ બોલાચાલી કરી માનસિક ત્રાસ આપતા બનાવ અંગે ઘરેલુ હિંસા અંગે ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના કુબેરનગરમાં ત્રિલોકધામમા સાસરું ધરાવતા અને અમદાવાદ નાના ચિલોડા ખાતે માવતર ધરાવતા અને હાલમાં માવતરે રહેતા 30 વર્ષીય પરિણીતાએ આરોપી પતિ દીપસિંહ જુવાનસિંહ સોલંકી, રહે.હાલ નંદનવન સોસાયટી, વાવડી રોડ, મોરબી, સસરા જુવાનસિંહ મંગળસિંહ સોલંકી અને સાસુ મોનાબા જુવાનસિંહ સોલંકી બન્ને રહે. ભગવાનપુરા, તા.કપડવંજ, જિલ્લો ખેડા વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓનો એચઆઇવી રિપોર્ટ પોઝિટિવ આવવાની સાથે દીકરીનો જન્મ થતા વર્ષ 2015થી આજદિન સુધી અવાર નવાર માનસિક ત્રાસ આપી રિસામણે મોકલી આપી ઝઘડો કરતા હોય ઘરેલુ હિંસા અંગે ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.










